મુંબઈઃ આઇપીએલ (IPL)ની 19મી સીઝનમાં પંજાબ, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈની આ વખતે ત્રણ-ત્રણ મૅચ થઈ ચૂકી છે અને બાકીની છ ટીમના નામે હજી બે-બે મુકાબલા છે એ જોતાં પહેલા 10 દિવસમાં હજી જોઈએ એટલી સંખ્યામાં રોમાંચક મૅચો જોવા નથી મળી, પણ ઉત્સાહપ્રેરક બાબત એ છે કે એકંદરે (મંગળવાર સાંજ પહેલાં) ભારતના જ બે ખેલાડી હાલમાં બૅટિંગ અને બોલિંગમાં મોખરે છે.
બીજી રીતે કહીએ તો ઑરેન્જ (ORANGE) કૅપ અને પર્પલ (PURPLE) કૅપ ભારતીય ખેલાડી પાસે જ છે. દિલ્હી કૅપિટલ્સનો સમીર રિઝવી કુલ 160 રન સાથે ઑરેન્જ કૅપ પર કબજો ધરાવે છે, જ્યારે સૌથી વધુ પાંચ વિકેટ અને 11.40ની સૌથી ચડિયાતી બોલિંગ-સરેરાશ બદલ પર્પલ કૅપ રાજસ્થાન રૉયલ્સના રવિ બિશ્નોઈ પાસે છે.
સમીર રિઝવીને 2024માં ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે હવે દિલ્હીનું ફ્રૅન્ચાઇઝી તેને એક સીઝન રમવાના 95 લાખ રૂપિયા આપે છે. તેણે 2024માં કુલ માત્ર 51 રન અને 2025માં 121 રન કર્યા હતા, પણ આ વખતે 2026ની સીઝનમાં તેણે ખૂબ સારી શરૂઆત કરી છે અને બે ઇનિંગ્સમાં ચોથા નંબરે બૅટિંગ કરીને 160 રન કર્યા છે. તેણે દિલ્હીને ચેઝ કરવામાં 70 રન અને 90 રનનું યોગદાન આપીને બન્ને મુકાબલામાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો છે.
ખરેખર તો અત્યારે ચાર બોલરની સૌથી વધુ પાંચ-પાંચ વિકેટ છે અને એ સૌમાં રવિ બિશ્નોઈની બોલિંગ-ઍવરેજ ચડિયાતી છે. તેની 11.40ની સરેરાશ સામે પાંચ-પાંચ વિકેટ લેનાર અન્ય ત્રણ બોલરમાં પંજાબના વૈશાકની 14.40, બેંગ્લૂરુના જેકબ ડફીની 16.00 અને ચેન્નઈના અંશુલ કમ્બોજની 24.40 છે.