Sat Oct 10 2026

Logo

સ્પોર્ટ્સમૅન: ખેલકૂદમાં સફળતાનું અસલી રિપોર્ટ કાર્ડ: ભણે એ ગણે અને ન ભણે એ પણ પ્રતિભાશાળી બને

2026-10-10 08:22:00
Author: Shasha
સ્પોર્ટ્સમૅન: ખેલકૂદમાં સફળતાનું અસલી રિપોર્ટ કાર્ડ: ભણે એ ગણે અને ન ભણે એ પણ પ્રતિભાશાળી બને

 

 

 

એન્જિનિયર એવા આર. અશ્વિનના સ્પિનના જાદુથી સૌ કોઈ પરિચિત છે... ઓછું ભણેલા વિરાટ, રોહિત, હાર્દિકની સિદ્ધિઓ પણ અપ્રતિમ છે

 

એન્જિનિયર રવિચન્દ્રન અશ્વિને સ્પિનના જાદુથી ભલભલા બૅટ્સમેનોની ખબર લઈ નાખી હતી.

 

હાર્દિક પંડ્યાને ભણતર સાથે બહુ લેણું નહોતું, પણ વર્લ્ડ કપ સહિતની ટ્રોફીઓ સાથે સેલિબ્રેટ કરી ચૂક્યો છે. 

તે કુલ 13 મૅન ઑફ ધ મૅચ જીતી ચૂક્યો છે.

 

બહુ ઓછું ભણેલા વિરાટ કોહલીની વિક્રમોની પોથી વિશ્વભરની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

 

ભણતર ઓછું રહ્યા પછી રોહિત શર્માએ ક્રિકેટના મેદાન પર અનેક અપ્રતિમ સફળતાઓ મેળવી.

 

 

- સાશા

 

હાર્દિક પંડ્યાના હાથમાં એન્જિનિયરિંગની કે મૅનેજમેન્ટની કોઈ ડિગ્રી નથી, પણ ક્રિકેટના મેદાનમાં તે જ્યારે અસલી રંગમાં હોય ત્યારે પાસાં ઉલટા કરી નાખતો હોય છે. વિરાટ કોહલી પાસે કોઈ વિશ્વ વિદ્યાલયની ડિગ્રી કે કોઈ ગોલ્ડ મેડલ નથી, પરંતુ વર્તમાન ક્રિકેટમાં તેનાથી મોટો ભાગ્યે જ કોઈ ખેલાડી હશે. રોહિત શર્માનો કૉલેજકાળ કોઈ ચમકદાર ડિગ્રી સાથે પૂરો નહોતો થયો છતાં ક્રિકેટમાં તેના નામે એવા વિશ્વવિક્રમો છે જે વર્ષોથી નથી તૂટ્યા. બીજી તરફ, નિશાનબાજ મનુ ભાકર છે જે નાની ઉંમરમાં બબ્બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકી છે, મણિપુરી માર્શલ આર્ટમાં તે રાષ્ટ્રીય સ્તરનો ચંદ્રક જીતી છે તેમ જ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરીફાઈઓમાં તેણે સફળતાપૂર્વક નિશાન લગાવ્યા છે. તેણે ખેલના મેદાનની પહેલાં અભ્યાસના ક્ષેત્રે પણ શાનદાર સફળતા હાંસલ કરી હતી. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેણે ગ્રેજ્યૂએશન મેળવ્યું, પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ-ગ્રેજ્યૂએશનની ડિગ્રી મેળવી અને હવે રોહતક આઇઆઇએમમાંથી તે રમતગમતમાં મૅનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરવાની છે.

 

બીજી બાજુ, સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિન જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે તેણે બોલિંગમાં શાનદાર વિક્રમો રચવાની સાથે-સાથે એન્જિનિયરિંગની ડિગ્રી પણ હાંસલ કરી હતી. આ જ વિષયમાં કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવના નામ પણ લઈ શકાય. આ ત્રણેય કૉમર્સ ગ્રેજ્યૂએટ છે અને તેમની પાસે બીકૉમની ડિગ્રી છે. ભાલાફેંકનો ચૅમ્પિયન નીરજ ચોપડા ઑલિમ્પિક્સથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ સુધી દરેક મોટી ઇવેન્ટમાં સફળતાના શિખરે પહોંચી ચૂક્યો છે અને તે અભ્યાસમાં પણ ગ્રેજ્યૂએટ છે.

 

હવે સવાલ એ છે કે આખરે સફળતાનો અસલી રિપોર્ટ કોને કહેવાય? શું ડિગ્રી જરૂરી છે કે પછી કોઈ ખેલાડીની મેદાન પરની પ્રતિભા તેની અભ્યાસની ઊણપ પૂરી કરી દેતી હોય છે? કહેવાનો અર્થ એ છે કે હાર્દિક પંડ્યા આઠમા ધોરણ સુધી ભણ્યો છે અને વિરાટ કોહલી બારમા ધોરણ સુધી. શુભમન ગિલ પણ સ્કૂલના સમયકાળ પછી વધુ અભ્યાસ નહોતો કરી શક્યો. એ જ પ્રમાણે, રવીન્દ્ર જાડેજા તેમ જ રોહિત શર્મા, રિષભ પંત, રિન્કુ સિંહ, મોહમ્મદ શમી, યશસ્વી જયસ્વાલ તેમ જ વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુ પણ અભ્યાસમાં ખાસ કંઈ આગળ નહોતા વધી શક્યા. મહિલા ખેલાડીઓમાં પણ બૅડમિન્ટન-ક્વીન પી. વી. સિંધુ, સ્ક્વૉશ-ચૅમ્પિયન અનાહત સિંહ તેમ જ ક્રિકેટ-સ્ટાર સ્મૃતિ મંધાનાએ પોતાની રમતની સાથે ભણવામાં પણ ચમક દેખાડી છે. જોકે સ્મૃતિની ઉચ્ચ ડિગ્રીની જાહેરમાં ખાસ કોઈ સ્પષ્ટતા નથી થઈ. એટલે જ તેના વિશે દાવા સાથે કંઈ કહી નથી શકાતું, પણ એક વાત ચોક્કસ છે કે આજકાલ ખેલકૂદની સફળતામાં ભણતરની સફળતા હોવી જ જોઈએ જરૂરી નથી લાગતું. જોકે ઘણા એવા ઍથ્લીટો અને ખેલાડીઓ છે જેઓ ખેલના મેદાન ઉપરાંત શિક્ષણના ક્ષેત્રે પણ ચમક્યા છે.

 

દક્ષિણ ભારતના ક્રિકેટરો તો ઊંચી ડિગ્રીઓ મેળવવાની સાથે ક્રિકેટના મેદાન પર વિરલ સિદ્ધિઓ મેળવવા માટે જાણીતા છે. જાવાગલ શ્રીનાથ અને અનિલ કુંબલેએ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. રાહુલ દ્રવિડ પણ ઘણું ભણ્યો હતો. આ ખેલાડીઓ ભારતીય ક્રિકેટના લેજન્ડ છે. થોડા સમય પહેલાં એક સંસ્થાએ તેમને જ્યારે માનદ ડૉક્ટરેટની ડિગ્રી આપવાની ઇચ્છા બતાવી ત્યારે તેમણે એ સંસ્થાને આભાર સહ કહી દીધું કે તેઓ આ માનદ ડિગ્રી નથી લેવા માગતા, કારણકે આવી પ્રતિષ્ઠિત ડિગ્રી તેઓ મહેનતથી હાંસલ કરવા માગે છે. ફરી એ જ સવાલ છે કે શું ડિગ્રી જરૂરી છે? બીજો એક સવાલ એ પણ છે કે શું ખેલની પ્રતિભા ભણતરની ઊણપ ભરપાઈ કરી શકે?

 

કહેવાનો ભાવાર્થ એ છે કે શું સ્કૂલ છોડી દેનાર બાળક પણ દુનિયાનો મહાન ખેલાડી બની શકે? કે પછી રમતગમતની સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાનું જાળવી રાખવું એ જ ભવિષ્ય માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે. ભારતીય ખેલ જગત આ સવાલોનો કોઈ એક જવાબ નથી આપતું, પરંતુ એક વાત નક્કી છે કે સફળતાના અલગ-અલગ રસ્તા તો જોવા મળી જ રહ્યા છે. કદાચ આ જ બાબત આ લેખનો હાર્દ છે. એક તરફ એન્જિનિયર આર. અશ્વિન અને બીજી બાજુ સ્કૂલ છોડનાર હાર્દિક પંડ્યા. બન્નેની ભિન્ન શૈક્ષણિક યાત્રા નજરસમક્ષ રાખીએ તો તેમની છબિ બેહદ રોમાંચક છે એમ કહી શકાય.

 

40 વર્ષના આર. અશ્વિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર હતી. તેણે 2010થી 2024 સુધીની કરીઅરમાં 537 ટેસ્ટ વિકેટ સહિત કુલ 750-પ્લસ વિકેટ લીધી હતી તેમ જ ટેસ્ટ ક્રિકેટમાં 3,500-પ્લસ રન બનાવવાની સાથે ભારતને અસંખ્ય મૅચો જીતાડી હતી. તેણે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. તે ક્રિકેટ જગતના શ્રેષ્ઠ બુદ્ધિમાન સ્પિનર્સમાં ગણાય છે. તેની બોલિંગમાં સ્પિનની વિવિધતા, પેસ તેમ જ રણનીતિ છલકાતી હતી. તેના પર્ફોર્મન્સ જોઈને ઘણી વાર લાગતું કે તેનામાં રહેલો એન્જિનિયર મેદાન પર ઊતરી આવ્યો છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા છે જેના વિશેની કથા અશ્વિનથી સાવ અલગ છે છતાં તેણે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સીસથી ભારતને વર્લ્ડ કપ સહિતની ઘણી મૅચોમાં વિજય અપાવ્યા છે એટલું જ નહીં, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તેણે કૅપ્ટન તરીકે ગુજરાત ટાઇટન્સને ડેબ્યૂ યરમાં જ ટાઇટલ અપાવ્યું હતું. ઈજા અને ફિટનેસની સમસ્યાએ ઘણી વખત તેની કારકિર્દી ખોરવી નાખી છે છતાં આજે હાર્દિકને ભારતના શ્રેષ્ઠ મૅચ-વિનર્સમાં ગણવામાં આવે છે. અશ્વિન અને હાર્દિક, બન્નેએ ભણતરમાં વિરોધાભાસી હોવા છતાં ક્રિકેટના મેદાન પર તેઓ સમાન રીતે પ્રતિભાશાળી ગણાય છે.

 

વિરાટ કોહલી ક્યારેય કોઈ વિશ્વ વિદ્યાલયના પગથિયાં નહોતો ચડ્યો, પરંતુ બૅટિંગ અને ફિટનેસની યુનિવર્સિટીમાં તે ગોલ્ડ મેડલિસ્ટ છે. માત્ર ભારત નહીં, કોઈ પણ દેશના કોઈ પણ ક્રિકેટપ્રેમીને પૂછશો તો તે કોહલીની વિરાટ પ્રતિભાથી પ્રભાવિત હશે જ અને અનેક લોકો તેના ચાહક હશે તેમ જ તેના વિક્રમોથી પરિચિત પણ હશે. એટલું ન નહીં, તેની ફિટનેસ પર પણ આફરીન હશે. નેટ પ્રૅક્ટિસ તેની પ્રયોગશાળા છે અને ક્રિકેટનું મેદાન તેની સ્કૂલ-કૉલેજનો ક્લાસ રૂમ જેમાં તેણે સફળતાના એક પછી એક શિખર સર કર્યા છે. ક્રિકેટના મેદાન પરના અવૉર્ડ અને સિદ્ધિઓ જ તેની બહુમૂલ્ય ડિગ્રીઓ છે.

 

વિરાટ જેવી જ પ્રતિભા રોહિત શર્માની પણ છે. વન-ડેમાં વિક્રમજનક ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી અને 264 રનનો હાઇએસ્ટ સ્કોર તેની મોટી વિરલ સિદ્ધિઓના બે ઉદાહરણ છે. તેણે કૉલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડવો પડ્યો અને મધ્યમ વર્ગનો સભ્ય હોવાથી તેણે કેટલીક આર્થિક સમસ્યાઓનો સામનો પણ કર્યો હતો. જોકે ક્રિકેટના મેદાન પર તેણે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા, એમએસ ધોનીની માફક મગજ શાંત રાખીને ભારતીય ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી અને ટીમને અનેક વિજય અપાવ્યા હતા.

જોકે વિરાટ, રોહિત અને હાર્દિક વિશેની આ બધી ચર્ચાનો મતલબ એ નથી કે ભણવાનું છોડી દો અને ક્રિકેટ રમવા લાગો. એન્જિનિયર આર. અશ્વિનનો કિસ્સો પણ અહીં અગત્યનો બની જાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો કોઈ વ્યક્તિમાં (કોઈ યુવામાં) કોઈ ક્ષેત્રે અસાધારણ ટૅલન્ટ બતાવવાની પ્રતિભા હોય તો તેને પોતાની પ્રતિભા બતાવવા માટે યોગ્ય અવસર મળવો જોઈએ, તેને યોગ્ય પ્રશિક્ષણ (કોચિંગ) મળવું જોઈએ. દરેક બાળક કંઈ સચિન કે વિરાટ કે રોહિત કે અશ્વિન કે હાર્દિક ન બની શકે, પરંતુ ટૅલન્ટને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તેઓ પણ સફળતાના શિખર સુધી પહોંચી શકે.