મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળામાં અર્થાત્ વર્તમાન સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ભારતીય કોર્પોરેટ (કંપનીઓ)નો આવક વૃદ્ધિદર જે પહેલા ત્રિમાસિકગાળામાં 21.3 ટકા હતો તેની સામે સાધારણ નબળો પડીને 13થી 15 ટકા આસપાસ રહેશે અને કંપનીઓની નફાશક્તિ અથવા તો કાર્યકારી નફો પણ અંદાજે એક ટકા જેટલો સંકોચાઈ જવાની શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ વ્યક્ત કરી છે.
ઈક્રાનાં કોર્પોરેટ રેટિંગ વિભાગનાં જૂથનાં વડા જીતિન મક્કરે જણાવ્યું હતું કે ઑટોમોબાઈ, રિટેલ, ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ અને હોસ્પિટાલિટી જેવાં ક્ષેત્રો સ્થાનિક માગ પર દારોમદાર રાખી રહ્યા હોવાથી તેઓની આવક વૃદ્ધિ ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી, એપરલ/હોમ ટેક્સ્ટાઈલ્સ અને કટ તથા પૉલિશ્ડ ડાયમંડ જેવાં નિકાસલક્ષી ક્ષેત્રની સરખામણીમાં સારી રહેશે.
એકંદરે વૈશ્વિક માગમાં જોવા મળી રહેલી નબળાઈ નિકાસલક્ષી ક્ષેત્રોનાં પ્રદર્શન પર માઠી અસર કરશે, પરંતુ સ્થાનિક માગ પ્રમાણમાં જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે ગત ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ સાધારણ કરતાં ઓછો રહેતાં કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ માગ પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવી છે. તેમ જ બીજા ત્રિમાસિકગાળામાં ખાદ્ય ચીજોનો ફુગાવો વધતાં કૃષિ અને ગ્રામિણ આધારિત ક્ષેત્રોમાં આવક તથા નફાશક્તિ દબાણ હેઠળ આવી શકે છે.
નોંધનીય બાબત એ છે કે ભારતીય કોર્પોરેટ કાચા માલના ભાવવધારા ઉપરાંત ઈંધણ, નૂરભાડા અને પેકેજિંગ ખર્ચમાં થયેલા વધારાનાં પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી ભારતીય કોર્પોરેટની નફાશક્તિમાં વર્ષાનુવર્ષ ધોરણે 1થી 1.5 ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરી છે.
વધુમાં નાણાકીય વર્ષ 2027નાં પહેલા ત્રિમાસિકગાળામાં જોવા મળ્યું હતું તેમ કોર્પોરેટ આવકોની સાઈકલમાં તંદુરસ્ત આવક વૃદ્ધિ અને મર્યાદિત કાર્યકારી નફામાં તફાવત જોવા મળી શકે છે, એમ મક્કરે જણાવતા ઉમેર્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોમાંથી ઓછી વસૂલાત અને પાતળા માર્જિનને કારણે બીજા ત્રિમાસિકગાળામાં તેલ રિફાઈનિંગ કંપનીઓનાં માર્જિન દબાણ હેઠળ જળવાયેલા રહેશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ઉડ્ડયન, ઑટોમોબાઈલ, એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ ક્નઝ્યુમર ગૂડ્સ), સિમેન્ટ અને અન્ય એનર્જીલક્ષી ક્ષેત્રો ક્રૂડતેલ અને ક્રૂડતેલની આડપેદાશોનાં વધતા ભાવના પડકારોનો સામનો કરવો પડશે.