Sun Apr 12 2026

Logo

આઈસ્ટાએ વર્તમાન ખાંડ મોસમ માટેના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 2.83 કરોડ ટન મૂક્યો...

2026-03-06 19:39:40
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ દેશનાં શેરડીના ઉત્પાદક વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનને કારણે ઊપજ ઓછી રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશને ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ માટેના ઉત્પાદનનો અંદાજ જે અગાઉ 2.96 કરોડ ટનનો મૂક્યો હતો તે 4.4 ટકા ઘટાડીને 2.83 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે.

વર્તમાન ખાંડ મોસમમાં એકંદર કુલ 3.15 કરોડ ટનના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે જેમાંથી ઈથેનોલ માટે 32 લાખ ટન ખાંડ વિકેન્દ્રિત થતાં કુલ 2.83 કરોડ ટન ખાંડ વપરાશી-નિકાસ માટે ઉપલબ્ધ રહેશે, એમ એસોસિયેશને એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે વર્તમાન મોસમમાં ઉત્પાદનના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં એકંદર ઉત્પાદન આગલી મોસમના 2.62 કરોડ ટનની સરખામણીમાં વધુ જ રહેશે. 

આઈસ્ટાની ક્રોપ કમિટીએ જણાવ્યું હતું કે વર્તમાન મોસમમાં શેરડીના ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને તેના પડોશી રાજ્ય કર્ણાટકના હવામાનમાં અસાધારણ પડકારો જોવા મળ્યા હતા. શેરડીની પકવાવસ્થાના સમયગાળામાં સતત પડી રહેલા ઝરમર વરસાદ અને વાદળિયા હવામાનને કારણે શેરડીની વૃદ્ધિ પર માઠી અસર પડી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રનાં મરાઠાવાડામાં ગત ઑક્ટોબર મહિનામાં થયેલા અતિરિક્ત વરસાદને કારણે ખેતરોમાં પાણીનો ભરાવ થવાથી ખેતરની પ્રવૃત્તિઓ અટકી હતી અને પાકની સ્થિતિ દબાણ હેઠળ આવી હતી. તેમ જ અમુક વિસ્તારોમાં ફુલો વહેલાસર આવવાને કારણે પણ ઉત્પાદકતા ઘટી છે. 

દેશમાં ખાંડના ઉત્પાદનમાં ટોચનું સ્થાન ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં ઉત્પાદનનો અંદાજ જે અગાઉ 1.081 કરોડ ટનનો મૂકવામાં આવ્યો હતો તે ઘટાડીને 99.7 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. જોકે, ગત 2024-25ની મોસમના 81 લાખ ટનના ઉત્પાદન કરતાં વધુ છે. તે જ પ્રમાણે બીજા ક્રમાંકના ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ જે અગાઉ 94.10 લાખ ટનનો મૂક્યો હતો તે ઘટાડીને 91 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. જોકે, ગોળ ઉત્પાદકોની પ્રબળ માગને કારણે શેરડી ગોળ ઉત્પાદક તરફ વિકેન્દ્રિત થવાને કારણે ઉત્તર પ્રદેશનું ઉત્પાદન આગલી મોસમના 93 લાખ ટનની તુલનામાં સાધારણ ઓછું રહેશે, એમ આઈસ્ટાએ યાદીમાં ઉમેર્યું હતું. 

વધુમાં એસોસિયેશને કર્ણાટકનો ખાંડના ઉત્પાદનનો અંદાજ જે અગાઉ 49.10 લાખ ટનનો મૂકવામાં આવ્યો હતો તે ઘટાડીને 48 લાખ ટન મૂકવામાં આવ્યો છે. જોકે, વર્તમાન મોસમમાં ઉત્પાદન આગલી મોસમના 43 લાખ ટન કરતાં વધુ રહેશે, એમ યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ખાંડના રિકવરી દરમાં અડધા ટકાનો વધારો થશે, પરંતુ ઊપજ ચિંતાનો વિષય છે.