Fri May 01 2026

Logo

જીડીપીની નવી શ્રેણીમાં જીએસટી, ઈ-વાહન અને ઘરગથ્થુ સેવાઓનો સમાવેશ

2026-02-27 20:12:41
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ નવાં પાયાકીય વર્ષ (બેઝ યર) 2022-23ની નવી શ્રેણીના ગ્રોસ ડૉમૅસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ગૂડ્સ અને સર્વિસ ટૅક્સના ડેટા, ઈ-વાહન અને ઘરગથ્થુ સેવાઓનાં રસોયાઓ, ડ્રાઈવર અને સ્થાનિક મદદકર્તાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી આર્થિક આંકડાઓની સચોટ માહિતી મળે. 

નોંધનીય બાબત એ છે કે આજે મોડી સાંજે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26નાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની જાહેરાત નવી શ્રેણી આધારીત થશે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઈ)ના જણાવ્યાનુસાર પાછલાં વર્ષોની સરખામણીમાં દેશનો આર્થિક ચિતાર સ્પષ્ટ મળે તે માટે સમયાંતરે આર્થિક ડેટાઓના પાયાકીય વર્ષમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આમ હવે નેશનલ એકાઉન્ટ્સ માટેનું પાયાકીય વર્ષ જે અગાઉ 2011-12 હતું તેમાં ફેરફાર કરીને 2022-23 નિર્ધારિત કરવામાં આવ્યું છે. 

સામાન્યપણે મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ દ્વારા દર પાંચ વર્ષે પાયાકીય વર્ષમાં ફેરફાર કરવામાં આવતા હોય છે, પરંતુ અગાઉ કોવિડ-19 મહામારી અને જીએસટીના અમલીકરણને કારણે ફેરફાર નહોતા થઈ શક્યા. વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પાછલી શ્રેણીના ડેટાની જાહેરાત ડિસેમ્બર, 2026માં થાય તેવી શક્યતા છે. 

નવી શ્રેણીમાં અનઈનકોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઈઝ (એએસયુએસઈ) અને પિરિયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)ને ઉપયોગ કરીને વાસ્તવિક સ્તરના અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સર્વેક્ષણો ઘરગથ્થુ ક્ષેત્રમાં ગતિશિલતાને વધુ સચોટ અને નિયમિત રીતે માપશે. તેમ જ તમામ રાજ્યોના ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર માટે અખિલ ભારતીય અંદાજોની ફાળવણી માટે અને વાર્ષિક ખાતાઓમાં ક્રોસ વેલિડેશન માટે કરવામાં આવશે. 

આ ઉપરાંત ઈ-વાહન પોર્ટલ પરના ડેટાનો ઉપયોગ રોડ ટ્રાન્સપોર્ટ સેવાના ખાનગી અંતિમ વપરાશી ખર્ચ (પ્રાઈવેટ ફાઈનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર) માટે થશે. તેમ જ જીડીપીના અંદાજ મેળવવા ઘરગથ્થુ સેવાઓ માટે રસોઈયા, ડ્રાઈવર, સાફસાઈવાળા વગેરે સ્થાનિક કામદારોનાં ખર્ચનાં ડેટાનો સમાવેશ કરવામાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. 

વધુમાં નવી શ્રેણી અંતર્ગત સિંગલ ડિફ્લેશનને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં ડબલ ડિફ્લેશન લાગુ કરવામાં આવશે. આ ફેરફારોને કારણે જીડીપીનું ચિત્ર વધુ સ્પષ્ટ અથવા તો ચોક્ક મળશે. મંત્રાલયના જણાવ્યાનુસાર જથ્થાબંધ ગ્રાહક ભાવાંકના પાયાકીય વર્ષમાં ફેરફાર કરવાની હજુ પ્રક્રિયા ચાલી રહી છે અને જ્યાં સુધી તે અપડેટ નહીં થાય ત્યાં સુધી હાલનો જથ્થાબંધ ભાવાંક ડિફ્લેટર તરીકે જળવાયેલો રહેશે.