Mon Sep 07 2026

Logo

મેટાને સરકારે સ્પષ્ટ કહ્યું, અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે

2026-08-06 22:22:50
Author: Mumbai Samachar Team
મેટાને સરકારે સ્પષ્ટ કહ્યું, અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે

નવી દિલ્હી: પીએમ મોદીની પોસ્ટને મેટા દ્વારા દૂર કરવાના મુદ્દે માર્ક  ઝૂકરબર્ગે માફી માંગી છે. તેમજ તેની બાદ મેટા અને સરકાર વચ્ચે સંકલન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના કાયદા ભારતમાં નહીં ચાલે. 

આ મુદ્દા અંગે ચર્ચાઓ ગુરુવારે પણ  ચાલુ હતી 

આ ઉપરાંત સરકારે મેટા અધિકારીઓને પૂછ્યું છે કે શું આઇટી કંપની ભારતીય કાયદાઓનું પાલન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર અને મેટાની વૈશ્વિક ટીમ વચ્ચે આ મુદ્દા અંગે ચર્ચાઓ ગુરુવારે પણ  ચાલુ હતી.

મેટાની ટીમે અનેક સવાલોના જવાબ આપવા પડશે 

આ દરમિયાન મેટા અધિકારીઓને કંપનીના અલ્ગોરિધમ્સ, તેના પાલન માળખામાં પર્યાપ્ત સંતુલન અને નિયંત્રણોની જરૂરિયાત અને બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા અંગેના જવાબ આપવા પડશે.

ફેસબુક પોસ્ટ દૂર કરવાની ઘટના માટે માફી માંગી હતી

સૂત્રોએ સંકેત આપ્યો છે કે માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુરુવારે મેટાની વૈશ્વિક ટીમ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેની બાદ  મંત્રાલયની તકનીકી ટીમો સાથે ચર્ચા ચાલુ રહેશે. આ અગાઉ અમેરિકન સ્થિત ટેકનોલોજી કંપનીએ વડાપ્રધાન મોદી દ્વારા ફેસબુક પોસ્ટ દૂર કરવાની ઘટના માટે માફી માંગી હતી.

ચોક્કસ સામગ્રીના પ્રમોશન જેવા મુદ્દાઓ અંગે ભૂલો સ્વીકારી 

આ ઉપરાંત કંપનીએ બાળ જાતીય શોષણ સામગ્રી, ડીપફેક્સ અને ચુકવણીના બદલામાં ચોક્કસ સામગ્રીના પ્રમોશન જેવા મુદ્દાઓ અંગે ભૂલો સ્વીકારી હતી. મેટાના ગ્લોબલ અફેર્સ ચીફ, જોએલ કપલાને એક લેખિત નિવેદન જાહેર કરીને વડાપ્રધાન મોદીની પોસ્ટ પર પ્રતિબંધ મૂકવાની ભૂલ માટે મંત્રીની માફી માંગી હતી.

મેટાની વૈશ્વિક ટીમ થોડા વધુ દિવસો  ભારતમાં રહેશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, મેટાની આ માફી કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ વતી આવી હતી. વડાપ્રધાન મોદી દ્વારા ફેસબુક પર શેર કરાયેલી પોસ્ટ થોડા સમય માટે દૂર કરવામાં આવી હતી. જોકે, મેટાએ આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવીને પોસ્ટને થોડીવાર પછી પુનઃસ્થાપિત કરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે મેટા ટીમ સાથે બેઠકોની શ્રેણી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે. મેટાની વૈશ્વિક ટીમ થોડા વધુ દિવસો માટે ભારતમાં રહેશે, જેમાં ત્રણથી ચાર વધારાની બેઠકો થવાની અપેક્ષા છે. 

વોટ્સએપ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાશે  

આ ચર્ચાના આગામી રાઉન્ડમાં વોટ્સએપ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. આ બેઠકોનો મુખ્ય કાર્યસૂચિ એ નક્કી કરવાનો છે કે મેટાના પ્લેટફોર્મ ભારતીય કાયદાઓનું પાલન કરી રહ્યા છે કે નહીં. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કાર્યરત પ્લેટફોર્મ અમેરિકન કાયદાઓ અનુસાર ચલાવી શકાતા નથી. આ તકનીકી બાબતો છે અને દરેક પાસાને સમજવું મહત્વપૂર્ણ છે.