નવી દિલ્હીઃ અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. નોકરી જતી રહેશે તો નવી નોકરી શોધવા માટે મળનારો 60 દિવસનો ગ્રેસ પીરિયડ સમાપ્ત થઇ શકે છે. અમેરિકાની સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો કેટલાક ખાસ બિન-પ્રવાસી વીઝા ધારકોની નોકરી ગયા બાદ અમેરિકામાં રોકાઇને નવી નોકરી શોધવાની તક નહીં મળે. તેમણે તરત અમેરિકા છોડવું પડી શકે છે.
હાલના નિયમો શું છે?
વર્તમાન નિયમ હેઠળ, જો કોઈ બિન-પ્રવાસી (નોન-ઇમિગ્રન્ટ) વિઝા ધારકના વિઝા સમાપ્ત થાય તે પહેલાં તેમની નોકરી છૂટી જાય છે, તો તેમને અમેરિકામાં રહીને નવી નોકરી શોધવા માટે 60 દિવસનો સમય મળે છે. આ નિયમ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ હતો કે વિદેશી કર્મચારીઓ અચાનક નોકરી ગુમાવ્યા પછી તરત જ અમેરિકા છોડવાને બદલે બીજી નોકરી શોધી શકે.
હવે શું બદલાઈ શકે છે?
અમેરિકી ગૃહ વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી)નો એક પ્રસ્તાવ હાલમાં ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB) પાસે સમીક્ષા માટે છે. આ પ્રસ્તાવમાં 60 દિવસના આ ગ્રેસ પિરિયડને સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી પ્રસ્તાવ વિશેની સંપૂર્ણ માહિતી સામે આવી નથી અને તે પણ નક્કી નથી કે તેને મંજૂરી મળશે કે નહીં.
જો આ પ્રસ્તાવ લાગુ થાય છે, તો E-1, E-2, E-3, H-1B, H-1B1, L-1, O-1 અને TN જેવા બિન-પ્રવાસી વિઝા ધારકો અને તેમના પર આધારિત (આશ્રિતો) લોકો પર તેની અસર પડી શકે છે.
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, અમેરિકી ગૃહ વિભાગ પાસે વર્તમાન નિયમો હેઠળ આ ગ્રેસ પિરિયડને ઘટાડવાનો અથવા કેટલાક કિસ્સાઓમાં તેને મંજૂર ન કરવાનો અધિકાર છે. જોકે, અત્યાર સુધી આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળ્યા છે.
ભારતીય કર્મચારીઓ માટે શા માટે મહત્વપૂર્ણ છે?
આ પ્રસ્તાવની અસર ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 52 લાખ લોકો રહે છે. આ સિવાય, ભારતીય નાગરિકો H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થીઓમાં સામેલ છે. નાણાકીય વર્ષ 2024-25માં H-1B વિઝાના સફળ અરજદારોમાં ભારતીય નાગરિકોનો હિસ્સો આશરે 71 ટકા હતો.
એટલે કે, જો 60 દિવસનો ગ્રેસ પિરિયડ પૂરો થઈ જાય, તો અમેરિકામાં નોકરી કરતા મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓ માટે નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની શકે છે. હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે. તેને મંજૂરી મળ્યા પછી જ સ્પષ્ટ થશે કે નિયમો ક્યારે અને કેવી રીતે બદલાશે.