Fri Apr 17 2026

Logo

ગુજરાતી મીડિયમમાં ભણેલી હોવાથી અપમાન કરતા સાસરિયા સામે ફરિયાદ

2026-04-14 17:00:40
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ માતૃભાષામાં શિક્ષણની હિમાયત લગભગ વિશ્વના દરેક મહાનુભાવે કરી છે, અને માતૃભાષામાં ભણવામાં પરંતુ ગુજરાતમાં એક મહિલાએ ગુજરાતી મીડિયમમાં કરેલો અભ્યાસ અપમાનનું કારણ બન્યો હોવાની ફરિયાદ થઈ છે. અહેવાલો અનુસાર એક 28 વર્ષીય પરિણિતાએ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે લગ્નના ત્રણ વર્ષ દરમિયાન તેને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને ગુજરાતી મીડિયમમાં ભણેલી હોવાથી સ્માર્ટ નથી તેમ કહી અપમાનીત કરવામાં આવતી હતી. 

તેનો આરોપ છે કે તેનો પતિ દારૂ પીને ઘરે પાછો ફરતો, તેની મરજી વિરુદ્ધ તેની સાથે જાતીય સંબંધો બાંધતો હતો અને શારીરિક ત્રાસ પણ આપતો હતો. મહિલાનો એવો આક્ષેપ પણ છે કે સાસરિયાએ રૂ. 10 લાખ દહેજપેટે માગ્યા હતા, જે 2022માં જ આપી દીધા હતા, પરંતુ હજુપણ ત્રાસ આપવામાં આવતો હતો.

મહિલાને ઘરમાં કોઈ સ્વતંત્રતા ન હતી અને તેનાં પિતાની તબિયત ખરાબ હોવા છતાં તેને પિયરે જવા દીધી ન હતી. તેને સતત ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી. સમજાવટ અને સમાજના લોકો દ્વારા સમાધાનની કોશિશો પણ કામ આવી ન હતી. હાલમાં મહિલા તેનાં માતા-પિતાના ઘરે રહેવા આવી છે અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.