Fri Sep 11 2026

Logo

માર્ચની ગરમી વચ્ચે ગુજરાતમાં કાલથી ત્રણ દિવસ આટલા જિલ્લામાં માવઠાની આગાહી!

2026-03-17 08:28:00
Author: Devayat Khatana
માર્ચની ગરમી વચ્ચે ગુજરાતમાં કાલથી ત્રણ દિવસ આટલા જિલ્લામાં માવઠાની આગાહી!

AI Genrated Image


અમદાવાદ: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત થવાની સાથે જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. માર્ચ મહિનાની શરૂઆતમાં જ મહત્તમ તાપમાનનો પારો સતત 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હતો. તો છેલ્લાં અઠવાડિયા દરમ્યાન મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઘટીને થોડું નીચે આવ્યું છે અને આગામી દિવસમાં ગરમીમાં હજી થોડી રાહત મળવાની શક્યતા છે. કારણ કે આવતીકાલથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં આકરી ગરમીનો અનુભવ થયો હતો અને રાજકોટમાં તાપમાનનો પારો 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જે રાજ્યમાં સૌથી વધુ હતું. જ્યારે અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.7 ડિગ્રી સેલ્સિયસ,  ગાંધીનગરમાં 37.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 37 ડિગ્રી સેલ્સિયસ,  અમરેલીમાં 36.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 36 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 34.7 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 33.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

રાજ્યના હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ જિલ્લા, તેમજ પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, પંચમહાલ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.  જ્યારે 20મીએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા. દાહોદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.