Wed Aug 26 2026

Logo

સારથી સર્વરમાં ખામીને કારણે સમગ્ર ગુજરાતમાં આરટીઓ સેવાઓ ઠપ્પ, હજારો અરજદારોને હાલાકી

2026-06-16 19:13:52
Author: Pooja Shah
સારથી સર્વરમાં ખામીને કારણે સમગ્ર ગુજરાતમાં આરટીઓ સેવાઓ ઠપ્પ, હજારો અરજદારોને હાલાકી

અમદાવાદઃ સોમવારે અમદાવાદ સહિત રાજ્યની તમામ 39 રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં (આરટીઓ) સર્વર ડાઉન થતાં સમગ્ર ગુજરાતમાં હજારો ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. 

આરટીઓ ઓફિસમાં સવારે આવી કામ પૂરું કરી કામધંધે જવા માટે આવેલા લોકોએ લાંબી રાહ જોવી પડી હતી અને ટેકનિકલ ખામીને કારણે મોટાભાગના કામ ન થતા નિરાશ થઈ પાછા જવું પડ્યું હતું. 

સર્વર આઉટેજને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ જારી કરવા અને સરનામાંમાં ફેરફાર જેવી નિયમિત સેવાઓ ખોરવાઈ ગઈ હતી. પરિણામે, જે લાઇસન્સ ધારકોના લાઇસન્સ સોમવારે સમાપ્ત થઈ ગયા છે તેમને હવે હાલના નિયમો અનુસાર નવું લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર પડી શકે છે.

સોમવારે રાજ્યભરમાં મુદત પૂરી થયેલા લાયસન્સની સંખ્યા 5,000 થી વધુ હોઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અરજદારો અને પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારીઓએ સરકારને આવા કિસ્સાઓમાં રાહત આપવા વિનંતી કરી છે, અને દલીલ કરી હતી કે આરટીઓ અથવા પરિવહન વિભાગની સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓને કારણે નાગરિકોને મુશ્કેલી વેઠવી પડે તે યોગ્ય નથી. 

બપોર પછી સર્વર આંશિક રીતે કામ કરતુ થયું હતું, પરંતુ ખૂબ જ સમય લઈ રહ્યું હતું.  અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ડોક્યુમેન્ટ  અપલોડ કરવામાં લગભગ એક કલાકનો સમય લાગી રહ્યો હતો, જેના કારણે કામ પર અસર પડી હતી.