Wed Jun 10 2026

Logo

હવે હોટલ ચેક-ઈન થશે પેપરલેસ, ગુજરાતની હોટલોમાં શરૂ થશે QR કોડ આધારિત સિસ્ટમ

2026-02-16 12:16:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ આધાર કાર્ડ આજે એક મહત્ત્વપૂર્ણ પુરાવો છે. બેંકથી લઈ બિઝનેસ સુધીના દરેક કામમાં તેની જરૂર પડે છે. આ દરમિયાન ગુજરાતની તમામ હોટલોમાં ચેક ઈન પ્રક્રિયામાં મોટો ડિજિટલ બદલાવ થવા જઈ રહ્યો છે. જેના કારણે મુસાફરોએ હવે રિસેપ્શન પર આધાર કાર્ડની ફોટોકોપી આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. 

ફોટોકોપીની જરૂર નહીં પડે

રાજ્ય સરકાર ટૂંક સમયમાં QR કોડ આધારિત સિસ્ટમ શરૂ કરશે, જેનાથી મુસાફરોને હોટલમાં ચેક ઇન સમયે ફોટોકોપીની જરૂર નહીં પડે. QR કોડ આધારિત સિસ્ટમ મુસાફરોને તેમના મોબાઈલ ફોન દ્વારા જ ઓળખની ચકાસણી કરવાની સુવિધા આપશે. આ ઉપરાંત ફેસિયલ રેકગ્નિશન દ્વારા ઓળખ પ્રસ્થાપિત થયા પછી ગણતરીની મિનિટોમાં રૂમ ફાળવવામાં આવશે. આ માટે કોઈ કાગળ કે ફોટોકોપીની જરૂર નહીં પડે.
   
અત્યાર સુધી, હોટલો સામાન્ય રીતે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની ફિઝિકલ કોપી માંગતી હતી. જ્યારે ફોટોકોપીની સુવિધા ઉપલબ્ધ  હોય ત્યારે આ પ્રક્રિયા અગવડતાભરી હતી, ઉપરાંત આધાર કાર્ડ ધારકને વ્યક્તિગત ડેટાના દુરુપયોગની ચિંતા પણ રહેતી હતી. નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય આ બંને સમસ્યાઓ દૂર કરવાનો છે, જેથી પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેટલી જ સરળ બની જશે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

મહેમાનોએ હોટલ રિસેપ્શન પર પ્રદર્શિત QR કોડ સ્કેન કરવાનો રહેશે.
ત્યારબાદ તેમના મોબાઈલ પર ઓળખનું પ્રમાણીકરણ અને ફેસિયલ વેરિફિકેશન કરવામાં આવશે.
વિગતો કન્ફર્મ થયા પછી, તરત જ રૂમ ફાળવવામાં આવશે.
ઓળખના દસ્તાવેજોની ફિઝિકલ કોપી સબમિટ કરવાની કોઈ જરૂર રહેશે નહીં.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી ખાસ મંજૂરી

આ પહેલ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તેના પથિક સોફ્ટવેરને આધાર સિસ્ટમ સાથે જોડવાની મંજૂરી મળી છે. નોંધનીય છે કે, આવી સત્તાવાર મંજૂરી મેળવનાર તે દેશની પ્રથમ સરકારી એજન્સી બની છે. અધિકારીઓનું કહેવું છે કે આ જોડાણથી મહેમાનોની વિગતોનું પારદર્શક અને સુરક્ષિત રેકોર્ડિંગ સુનિશ્ચિત થશે, સાથે જ કાયદા અમલીકરણ એજન્સીઓ શંકાસ્પદ ગતિવિધિઓ પર ઝડપથી અને અસરકારક રીતે નજર રાખી શકશે.

પ્રાઈવસી અને ડેટા સુરક્ષા

સૂત્રોએ જણાવ્યું છે કે ડેટા સુરક્ષાના કડક પગલાં લાગુ કરવામાં આવશે. મહેમાનોની માહિતી ત્રીજા પક્ષ સાથે શેર કરવામાં આવશે નહીં, અને તમામ પ્રમાણીકરણ પ્રક્રિયાઓ એન્ક્રિપ્ટેડ અને કેન્દ્રીય રીતે સુરક્ષિત હશે.

મરજીયાત, ફરજિયાત નહીં

જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) શરદ સિંઘલે સ્પષ્ટ કર્યું હતું કે ડિજિટલ ચેક-ઇન ફરજિયાત રહેશે નહીં. જે મહેમાનો ઓળખના દસ્તાવેજોની ફોટોકોપી આપવાનું પસંદ કરે છે તેઓ તેમ કરવાનું ચાલુ રાખી શકે છે. જોકે, તેમણે નોંધ્યું હતું કે ડિજિટલ વેરિફિકેશન ગ્રાહકોના ઓળખ દસ્તાવેજોને દુરુપયોગથી વધુ સારી રીતે સુરક્ષિત રાખશે.

સમગ્ર રાજ્યમાં લાગુ થયા બાદ, આ સિસ્ટમ મુસાફરો માટે પ્રક્રિયાઓને સરળ બનાવશે. તેમજ કાયદો અને વ્યવસ્થાની પદ્ધતિને મજબૂત બનાવશે. ગુજરાતના હોસ્પિટાલિટી સેક્ટર માટે પણ આ એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ કદમ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. જેને લઈ તંત્રએ અત્યારથી જ વિશ્વ સાથે તાલ મિલાવવા ધીમે ધીમે ડિજિટલ તરફ પગલું માંડ્યું છે.