Wed Aug 19 2026

Logo

ઓનલાઈન શૉપિંગ ભલે સરળ, પણ ગ્રાહકોની સૌથી વધુ ફરિયાદો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે

2026-06-29 14:51:00
Author: Pooja Shah
Article Image

 

અમદાવાદઃ મોબાઈલ પર એક ક્લિકથી શૉપિંગ કરવાનું ખૂબ જ સરળ અને પ્રચલિત છે, પરંતુ ગ્રાહકોને સૌથી વધુ ફરિયાદો પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મમ્સ અને તેમની સેવાઓ સામે છે, તેવી મહિતી એક અહેવાલ દ્વારા મળી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) ના ડેટા અનુસાર, ગુજરાતમાં નોંધાતી દરેક ચાર ગ્રાહક ફરિયાદમાંથી લગભગ એક ઓનલાઈન શોપિંગ અથવા વીમા સંબંધિત વિવાદોને લગતી હોય છે.

વર્ષ 2025માં હાથ ધરવામાં આવેલી બધી ફરિયાદોમાં ઈ-કોમર્સ અને વીમાનો હિસ્સો લગભગ 25% હતો. 2026માં તેમનો હિસ્સો વધીને 33% થયો હોવાનું અહેવાલ જણાવે છે. સૌથી સામાન્ય ફરિયાદોમાં ઓનલાઈન મંગાવેલી વસ્તુઓ ડિલિવરી ન થવી, ખામીયુક્ત માલ, રિફંડમાં વિલંબ અને આરોગ્ય વીમાના દાવાઓનો અસ્વીકાર અથવા વિલંબિત નિકાલનો સમાવેશ થાય છે. 

સૌથી વધારે ફરિયાદો ઈલેક્ટિ્રક અપ્લાયસિન્સ અને ગેજેટ્સની આવે છે. સીઈઆરસીએ 2025માં ઈલેક્ટ્રિક ગેજેટ્સ સંબંધિત 37 ફરિયાદનો ઉકેલ લાવ્યો હતો, જેમાં મોટાભાગે મેન્યુફેક્ચરર અથવા ડિલર્સ પ્રોડેક્ટ્સ રિપેર કે રિપ્લેસ્ ન હતા કરતા અથવા ગેરંટી પિરિયડમાં પણ સેવાઓ આપતા ન હતા. 2026માં પણ સૌથી વધારે ફરિયાદો આ અંગેની જ આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

વાહન સંબંધિત ફરિયાદો, ખાસ કરીને ઇલેક્ટ્રિક અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલર સંબંધિત ફરિયાદો પણ મુખ્ય હતી. ઈ-વ્હીકલ સંબંધિત ફરિયાદો પણ સીઈઆરસીને વારંવાર મળતી રહે છે. આ ઉપરાંત ફ્લાઈટ કેન્સલેશન્સ, ટ્રાવેલ અને ટૂરિઝમ સંબંધિત ફરિયાદો અને ઈન્ટરનેટ સર્વિસ સંબંધિત ફરિયાદો મળતી રહે છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.