Mon Jul 27 2026

Logo

રાજ્યમાં ધોધમાર વરસાદથી કયા ડેમ 100 ટકા ભરાયા, કયા ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા

2026-07-25 12:40:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે 14 ડેમ 100 ટકા ભરાયા છે અને 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 68.93 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 44.82 ટકા જળસંગ્રહ છે. 

રાજ્યમાં 25 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે, 27 ડેમ 50 ટકાથી 70 ટકા વચ્ચે અને 53 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં 4 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ પર છે.

અમરેલીના રાજુલાનો ધાતરવાડી અને સાવરકુંડલાનો સુરજવાડી, ભરૂચના ઝઘડિયાનો ધોળી, ભાવનગરના મહુવાનો રોજકી, ભાવનગરના પાલિતાણાનો શેત્રુંજી, કચ્છના રાપરનો ફતેહગઢ, મહીસાગરના બાલાસિનોરનો વણાંકબોરી, મોરબીનો મચ્છુ-2, નવસારીના વાંસદાનો જૂજ અને કેલીયા, સુરતના માંડવીનો લખીગામ, સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ અને વઢવાણનો ધોળીધજા તથા તાપીના સોનગઢનો ડોસવડા ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે ભાવનગરના ઉમરાળાના રંઘોળા, અમરેલીના ધારીના ખોડીયાર અને ખાંભાનો રાયડી, બોટાદના બરવાળાનો ખાંભડા, અમરેલીના રાજુલાનો ધાતરવાડી-2 તથા ભરૂચના નેત્રંગનો બલદેવા ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ ડેમો છે એલર્ટ અને વોર્નિંગ પર

ભાદર-2, માલણ, રાવલ, લાલપરી, ખારો, શેલ-દેદુમલ, વેણુ-2, સુખી, બાંટવા-ખારો, સારણ, આજી-2, પિંગળી, હાનોલ, કાલાઘોઘા, કાળુભાર, ઉમરીયા, કનિયાદ

આ જિલ્લામાં સિઝનના સરેરાશથી વધુ વરસાદ

રાજ્યમાં સિઝનનો 52 ટકા વરસાદ પડ્યો છે. વલસાડમાં 92.82 ટકા, નવસારીમાં 96.66 ટકા, ડાંગમાં 71.35 ટકા, સુરતમાં 81.07 ટકા, તાપીમાં 62.55 ટકા, ખેડામાં 57.71 ટકા, અમદાવાદમાં 67.82 ટકા, ભરૂચમાં 57.57 ટકા, અમરેલીમાં 62.29 ટકા, આણંદમાં 53.1 ટકા અને વાવ થરાદમાં 53.58 ટકા વરસાદ વરસ્યો છે.