Wed Sep 02 2026

Logo

એફડીઆઈના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી માટેની મર્યાદા વધારવા સરકારની વિચારણા

2026-08-09 19:35:06
Author: Ramesh Gohil
એફડીઆઈના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી માટેની મર્યાદા વધારવા સરકારની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં વિદેશી રોકાણકારો માટે રોકાણની સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થાય તે માટે સરકાર સીધા વિદેશી રોકાણ માટે કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ)ની મંજૂરી માટેની મર્યાદા જે હાલ રૂ. 5000 કરોડની છે તે વધારીને રૂ. 15,000 કરોડ કરવાની વિચારણા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેર્સ એ એક વડા પ્રધાનના વડપણ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિ છે અને તેમાં ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન જેવાં ટોચના કેન્દ્રિય કેબિનેટના પ્રધાનોનો સમાવેશ થતો હોય છે. 

હાલની સીધા વિદેશી રોકાણની નીતિ અંતર્ગત જો વિદેશી ઈક્વિટીનો રોકાણ આંતરપ્રવાહ રૂ. 5000 કરોડથી વધુનો પ્રસ્તાવ હોય તો તેની અરજી સમિતિ સમક્ષ મુકવામાં આવે છે, જ્યારે રૂ. 5000 કરોડ કરતાં ઓછા રોકાણનો પ્રસ્તાવ હોય તો સંબંધિત મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવે છે. જોકે, આ મર્યાદામાં નવેમ્બર, 2015 પછી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલની આર્થિક સ્થિતિ, ફુગાવો, છેલ્લા કેટલાક સમયથી રોકાણમાં જોવા મળેલી વૃદ્ધિ અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનાં લક્ષ્યાંકને ધ્યાનમાં લેતા આ મર્યાદાની સમીક્ષા કરવી જરૂરી બની છે.

અગાઉ સેક્રેટરીઓની કમિટીએ તેની બેઠકમાં પણ કેબિનેટ કમિટી ઑન ઈકોનોમિક ઑફર હેઠળ સીધા વિદેશી રોકાણના પ્રસ્તાવોની સરકારી રૂટ મારફતે મંજૂરી માટેની મર્યાદામાં ફેરફાર કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જોકે, આ પ્રસ્તાવ હજુ ચર્ચાના સ્તરે જ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. વધુમાં સરકાર દરિયાપારનાં આંતરપ્રવાહ અને રોજગારને વેગ આપવા માટે ડાઉનસ્ટ્રીમ ઈન્વેસ્ટમેન્ટ માટેના સીધા વિદેશી રોકાણનાં ધોરણો પણ હળવા કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે આ પ્રસ્તાવ મુજબ સરકાર અપસ્ટ્રીમ સ્થાનિક કંપનીને પહેલેથી જ આવી મંજૂરી મળી ગઈ હોય તેવી ભારતીય કંપનીઓમાં પરોક્ષ વિદેશી રોકાણને નવી મંજૂરી મેળવવામાંથી મુક્તિ આપવાનું વિચારી રહી છે. હાલમાં સરકારી રૂટ મારફતે મંજૂરી બે કિસ્સાઓમાં લેવી જરૂરી છે જેમાં ડાઉનસ્ટ્રીમ એકમ અથવા પરોક્ષ વિદેશી રોકાણ માટે અને ભારત સાથે સરહદ ધરાવતી જમીનમાં રોકાણ માટે.

નોંધનીય બાબત એ છે કે સરકારે વિદેશી રોકાણનાં આંતરપ્રવાહને આકર્ષવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે અને એપ્રિલ 2000થી માર્ચ 2026 દરમિયાન કુલ રોકાણ 1.16 ટ્રિલિયન ડૉલરની સપાટી પાર કરી ગયું છે. દેશમાં ટોચના દસ મુખ્ય રોકાણકર્તા દેશોમાં મોરેશિયસ, સિંગાપોર, અમેરિકા, નેધર્લેન્ડ, જાપાન, યુકે અને યુએઈનો સમાવેશ થાય છે.