Sat Mar 14 2026

Logo

ચાંદીમાં રૂ. 6033નું બાઉન્સબૅક, સોનું રૂ. 1075 ઝળક્યું...

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પની ટૅરિફની અનિશ્ચિતતાઓ અને અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં કિલોદીઠ રૂ. 6033નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 1071થી 1075નો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6033 વધીને રૂ. 2,66,700ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલીનો અભાવ હતો. તે જ પ્રમાણે આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1071 વધીને રૂ. 1,58,460 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1075 વધીને રૂ. 1,59,097ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સલામતી માટેની માગ ઉપરાંત અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચતા હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને 5181.18 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ મહિનામાં અત્યાર સુધીમાં હાજરમાં સોનાના ભાવ 6.5 ટકા વધી આવતા સતત સાતમાં મહિનામાં માસિક ધોરણે સુધારો જોવા મળ્યો છે. તેમ જ આજે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 5198.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.7 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 89.87 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.  

એકંદરે વૈશ્વિક સ્તરે અમેરિકી ટૅરિફની અનિશ્ચિતતા અને બીજુ અમેરિક-ઈરાન વચ્ચેનો તણાવ સોનાની તેજીને ટેકો આપી રહ્યો હોવાનું એએનઝેડનાં વિશ્લેષક સોની કુમારીએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે જીનિવા ખાતે અમેરિકા-ઈરાનનાં પ્રતિનિધિઓની ન્યૂક્લિયરના મુદ્દે વાટાઘાટ થઈ હતી અને વાટાઘાટમાં પ્રગતિ થઈ હોવાનું અને આગામી સપ્તાહે વિયેના ખાતે ટૅક્નિકલ મુદ્દા પર પુનઃ વાટાઘાટ થશે, એમ ઓમાનના મધ્યસ્થીએ જણાવ્યું હતું. 

વાસ્તવમાં ગઈકાલની વાટાઘાટોમાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન આવ્યો હોવાથી ભૂરાજકીય તણાવ યથાવત્‌‍ રહેતાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હોવાનું એક્સએસ ડૉટ કૉમના વિશ્લેષક લિન્હ ટ્રાને જણાવ્યું હતું. હાલમાં અમેરિકાએ કામચલાઉ ધોરણે નવી 10 ટકા ટૅરિફનો અમલ શરૂ કર્યો છે. જોકે, અમુક દેશો પર દર વધારીને 15 ટકા કરવામાં આવ્યો હોવાનું યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા બેરોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.