(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેની ન્યૂક્લિયર માટેની બેઠકમાં કોઈ ફળશ્રુતિ ન આવતા આજે વિશ્વ બજારમાં ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં 0.7 ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 2.7 ટકા જેટલો ઊછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 7974નો ઝડપી ઊછાળો આવી ગયો હતો. તેમ જ સોનાના ભાવમાં પણ 10 ગ્રામદીઠ રૂ. 2974થી 2986ની તેજી જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 7974 વધીને રૂ. 2,44,772ના મથાળે રહ્યા હતા. જોકે, આજે અચાનક ભાવમાં મોટી માત્રામાં ઉછાળો આવતા સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2974 વધીને રૂ. 1,53,951 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2986 વધીને રૂ. 1,54,570ની સપાટીએ રહ્યા હતા. જોકે આજે વધ્યા મથાળેથી સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 5012.83 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 5031.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.7 ટકાની તેજી સાથે આૈંસદીઠ 79.24 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલમાં કૉમૅક્સ ખાતે ચાંદીના માર્ચ વાયદાની ડિલિવરી પૂર્વે સ્ટોક ઓછો રહ્યો હોવાથી તેજીનો ટેકો મળી રહ્યો છે. જોકે, આ મહિનાના આરંભે ચાંદીમાં જોવા મળેલા ઐતિહાસિક કરેક્શન પશ્ચાત્ હજુ કળ નથી વળી, એમ સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઑલૅ હેન્સને જણાવ્યું હતું.
અમેરિકા ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરે તો તે ઘણાં સપ્તાહો સુધી ચાલે તેવી શક્યતા વહેતી થતાં બજારમાં ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા સોનામાં સલામતી માટેની માગ ખૂલી હોવાનું નેમો મનીના વિશ્લેષક જેમી દત્તાએ જણાવ્યું હતું. ગઈકાલે વ્હાઈટ હાઉસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે જિનિવા ખાતેની બેઠકમાં વાટાઘાટોમાં પ્રગતિ તો થઈ છે તેમ છતાં અમુક બાબતો પર હજુ મતભેદો યથાવત્ રહ્યા છે.
વધુમાં ગઈકાલે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદર યથાવત્ રાખવા માટે તમામ સભ્યો એકમત રહ્યા હતા. તેમ જ ભવિષ્યમાં જો ફુગાવામાં વધારો થાય તો વ્યાજદર વધારવા અને ઘટાડો થાય તો વ્યાજદરમાં કાપ મૂકવા સભ્યો સહમત રહ્યા હોવાનું જણાયું હતું.