Sun Apr 12 2026

Logo

અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવતા આર્થિક મંદીની ભીતિ હેઠળ સપ્તાહના અંતે વૈશ્વિક સોના-ચાંદીમાં ચમકારો...

2026-03-07 19:06:00
Author: Ramesh Gohil
Article Image

રમેશ ગોહિલ

સ્થાનિકમાં નબળી માગે સોનાના ભાવ વૈશ્વિક ભાવની તુલનામાં 28 ટકા ડિસ્કાઉન્ટમાં ઓફર કરતાં ડીલરો 
ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની થયેલી જાહેરાતમાં બજાર વર્તુળો રોજગારોની સંખ્યામાં 59,000નો વધારો થવાની ધારણા મૂકી રહ્યા હતા, પરંતુ તેની સામે 92,000નો ઘટાડો જોવા મળ્યો હતો. આમ રોજગારીમાં જોવા મળેલા ઘટાડાને ધ્યાનમાં લેતા અમેરિકન અર્થતંત્ર મંદ પડવાની ભીતિ સપાટી પર આવી હતી. આમ રોજગારીના નિરુત્સાહી અહેવાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સપ્તાહના અંતે સલામતી માટેની માગને ટેકે સોનાના હાજર ભાવમાં 1.83 ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 2.6 ટકા જેટલો ઉછાળો આવી ગયો હતો.

જોકે, તે પૂર્વે સપ્તાહ દરમિયાન અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર સંયુક્તપણે હુમલાઓ કર્યા હોવાથી યુદ્ધના માહોલામાં સ્ટ્રેઈટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ થવાથી અખાત તરફથી સ્ટીમરો અટવાઈ જતાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ઉછળીને બેરલદીઠ 90 ડૉલર સુધી પહોંચ્યા હતા. તેમ જ યુદ્ધની સ્થિતિમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. એકંદરે જોઈએ તો ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી પડતરો વધી આવતા સોનાના ભાવ પર અમુક અંશે દબાણ આવ્યું હતું, પરંતુ ક્રૂડતેલના ભાવ વધી આવતા વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિને કારણે ફુગાવા સામેની હેજરૂપી છૂટીછવાઈ માગનો ટેકો પણ મળી રહ્યો હતો. એકંદરે સપ્તાહના અંતે સોનાના ભાવ વધી આવ્યા હોવા છતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવમાં પાંચ સપ્તાહમાં પહેલી વખત 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

મધ્યપૂર્વના દેશોમાં તણાવમાં વધારો થવાથી વૈશ્વિક બજારમાં ગત સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી બેતરફી વધઘટને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના અંતે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 27મી માર્ચના 10 ગ્રામદીઠ રૂ. 1,59,097ના બંધ સામે ઉછાળા સાથે રૂ. 1,66,469ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,67,471 અને નીચામાં રૂ. 1,58,751ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે સાપ્તાહિક ધોરણે રૂ. 346ના સાધારણ ઘટાડા સાથે સપ્તાહની નીચી રૂ. 1,58,751ની સપાટીએ બંધ રહ્યા હતા.

તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત શુક્રવારના રૂ. 2,60,667 સામે ઝડપી ઉછાળા સાથે રૂ. 2,86,936ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 2,89,848 અને નીચામાં સપ્તાહના અંતે રૂ. 2,60,723ના મથાળે બંધ રહ્યા હતા. આમ ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 56નો સાધારણ સુધારો નોંધાયો હતો. 

એકંદરે ગત સપ્તાહે સોનાના ભાવમાં ભારે ચંચળતાને કારણે સ્થાનિકમાં સાર્વત્રિક સ્તરેથી નબળી માગ ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધને કારણે હવાઈ માર્ગો પણ બંધ થવાથી પુરવઠામાં પણ ઘટાડો થયો હતો. વાસ્તવમાં જોઈએ તો સોનાના ભાવમાં રિટેલ સ્તરે જોવા મળેલી તેજી રિટેલ ગ્રાહકો પચાવી નથી શક્યા અર્થાત્‌‍ સોનાના ભાવ પોસાણક્ષમતાની બહાર હોવાનું કેરળ સ્થિત એક જ્વેલરે જણાવતા ઉમેર્યું હતું કે નબળી માગને કારણે હાલ સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 28 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ 10 મહિનાની ઊંચી આૈંસદીઠ 65 ડૉલરની સપાટીએ રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારતનો સોનાનો મુખ્ય પુરવઠાકાર દેશ યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) છે અને મધ્યપૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવ હોવાથી યુએઈની ઘણી ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને એરસ્પેસ પણ બંધ થવાથી પુરવઠાસ્થિતિ તંગ થવાને કારણે પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવતા ઉમેર્યું હતું કે હજુ લગ્નસરાની મોસમ ચાલુ હોવા છતાં બન્ને કિંમતી ધાતુઓની ઊંચી ભાવસપાટી અને ભાવમાં ભારે ચંચળતા રહી હોવાથી ઘણાં ગ્રાહકોએ ખરીદી મોકૂફ રાખી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ભૂરાજકીય મોરચે ગત સપ્તાહના અંતે અમેરિકાએ મંત્રણાઓનો અસ્વીકાર કરીને ઈરાનને બિનશરતી શરણાગતિની ઓફર આપી હતી અને કહ્યું હતું કે તહેરાન વિના શરતે શરણે નહીં થાય ત્યાં સુધી તેની સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. ઈઝરાયલે લેબનીઝ રાજધાનીના સમગ્ર દક્ષિણ ભાગનાં ઉપનગરોને અભૂતપૂર્વ રીતે ખાલી કરાવવાનો આદેશ આપ્યા પછી બૈરુત પર હુમલો કર્યો હતો, જે યુદ્ધના વિસ્તરણનો સંકેત આપે છે. વધુમાં મધ્યપૂર્વના તણાવને પગલે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે એક વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો હોવાથી સોનાની પડતર વધી આવતાં ભાવમાં સુધારો મર્યાદિત માત્રામાં રહ્યો હતો. હવે તમારી પાસે અલ્ગોરિધેમિક વેચાણકર્તાઓ છે, જે ડૉલર મજબૂત થતાં વેચાણ કરતા હોવાથી ગત સપ્તાહે એકંદરે સોનામાં નબળી કામગીરી જોવા મળી હોવાનું એક ટ્રેડરે જણાવ્યું હતું. 

હવે રોકાણકારોની નજર આગામી 17-18 માર્ચના રોજ મળનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બેઠકમાં વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવે અને આ વર્ષમાં પહેલી વખત વ્યાજદરમાં કાપ જુલાઈ મહિનામાં મૂકવામાં આવે તેવી શક્યતા મુકાઈ રહી છે. તેમ છતાં બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે કોઈ સંકેતો આપે છે કે કેમ તેના પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત રહેશે. 

એકંદરે હાલના તબક્કે વૈશ્વિક સ્તરે મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધ અને ક્રૂડતેલના ભાવમાં ઉછાળાને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેશે તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સોનામાં સુધારો મર્યાદિત રાખી શકે છે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 4980 ડૉલરની સપાટી ટેકાની અને 5420 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે અને ચાંદીના ભાવ આૈંસદીઠ 78થી 98 ડૉલરની રેન્જમાં રહી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,55,900થી 1,64,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,49,000થી 2,85,000ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.