(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ઓસરતા ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે પણ ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1016થી 1020 વધીને ફરી રૂ. 1.50 લાખની સપાટી પાર કરી ગયા હતા. જોકે, આજે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. આઠનો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1016 વધીને રૂ. 1,50,038 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1020 વધીને રૂ. 1,50,641ના મથાળે રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહી હતી, જ્યારે રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી મર્યાદિત રહેતાં વિશ્વ બજારથી વિપરીત વેરારહિત ધોરણે ભાવ સાધારણ કિલોદીઠ રૂ. આઠના ઘટાડા સાથે રૂ. 2,31,373ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવતા ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને ગત સાતમી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આજે પણ લંડન ખાતે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં હાજરમાં ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 4345.09 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 4404.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકા વધીને આૈંસદીઠ 64.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના રોજગારીના ડેટા નિરાશાજનક આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા નબળી પડતાં ગત સપ્તાહથી સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતા ઉમેર્યું હતું કે અગાઉ બે મહિનામાં અમેરિકામાં રોજગાર વૃદ્ધિ જોવા મળ્યા બાદ ગત જુલાઈ મહિનામાં અનપેક્ષિતપણે રોજગારમાં ઘટાડો આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડી છે.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા જે ગત શુક્રવારે રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે 57 ટકા મૂકી રહ્યા હતા તે હવે 44 ટકા શક્યતા મૂકી રહ્યા હતા. જોકે, હવે રોકાણકારોની નજર આગામી બુધવારે અને ગુરુવારે જાહેર થનારા અમેરિકાનાં ક્નઝ્યુમર અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, રૉઈટર્સ દ્વારા અર્થશાસ્ત્રીઓનાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જુલાઈ મહિનામાં અમેરિકાનાં ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં વર્ષાનુવર્ષ ધોરણે 3.4 ટકાનો અને આગલા જૂન મહિનાની તુલનામાં 3.5 ટકા વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી.