Sun Sep 13 2026

Logo

સોનાના ભાવ પર હવે યુદ્ધ ઉપરાંત ફુગાવા અને કેન્દ્રવર્તી બૅન્કોની નાણાનીતિની પણ અસરઃ અહેવાલ

2026-08-10 20:08:25
Author: Ramesh Gohil
સોનાના ભાવ પર હવે યુદ્ધ ઉપરાંત ફુગાવા અને કેન્દ્રવર્તી બૅન્કોની નાણાનીતિની પણ અસરઃ અહેવાલ

નવી દિલ્હીઃ પરંપરાગત ધોરણે સોનાના ભાવ પર વૈશ્વિક સ્તરે ભૂરાજકીય વિવાદો અર્થાત્‌‍ યુદ્ધની અસર જોવા મળતી હતી, પરંતુ હવે સોનાના ભાવ પર ભૂરાજકીય વિવાદ ઉપરાંત ફુગાવો, વ્યાજનાં દર અને કેન્દ્રવર્તી બૅન્કોની નાણાનીતિની પણ સોનાના ભાવ પર અસર જોવા મળી રહી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. 

તાજેતરમાં મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળાનાં પ્રીસિયસ મેટલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળામાં સોનાના ભાવમાં તેજી ટકાવી રાખવા માટે માત્ર ભૂરાજકીય તણાવનું કારણ પર્યાપ્ત નહોતું. કેમ કે રોકાણકારો યુદ્ધની સ્થિતિ ઉપરાંત ફુગાવા અને વ્યાજદરની અસરોની પણ આકારણી કરી રહ્યા હતા. 

વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળામાં યુદ્ધ અને સોનાના સંબંધોનું શરતી પ્રમાણ વધી રહ્યું હોવાનું જોવા મળ્યું હોવાનું મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.નાં રિસર્ચ હેડ નવનીત દામાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે બજારનું અથવા તો રોકાણકારોનું ફોકસ ભૂરાજકીય તણાવનાં સમાચારો પર ઓછું અને ફુગાવો, વાસ્તવિક વ્યાજદર અને કેન્દ્રવર્તી બૅન્કોની નીતિનાં વલણનાં આશાવાદો પર વધુ રહ્યું હતું. વધુમાં આ સમયગાળામાં ભૂરાજકીય તણાવમાં વધારો થયો હોવા છતાં બૉન્ડની યિલ્ડમાં જોવા મળેલો વધારો સોનાની સલામતી માટેની માગ દબાણ હેઠળ લાવી રહ્યો હોવાથી વધતી યિલ્ડ સોનાની તેજી સામેનો પડકાર રહ્યો હતો.

અહેવાલમાં ઉમેર્યું હતું કે વર્ષ 2026નાં આરંભે નીતિવિષયક અનિશ્ચિતતા, એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં વધેલો આંતરપ્રવાહ, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ સાથે સોનામાં આરંભ મજબૂત અન્ડરટોન સાથે થયો હતો. જોકે, ત્યાર બાદ બજારની નજર ટૅરિફની ઉત્પાદન પર અસર અને ફુગાવામાં વધારાની ભીતિ અને ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવવાની સાથે હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પાતળી બનવાથી, ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. 

વધુમાં અહેવાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનાં વિવાદે પણ સોનાના પરિમાણો બદલ્યા હોવાનું અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેનાં યુદ્ધનાં આરંભે સોનામાં માગ વધી હતી, પરંતુ યુદ્ધ વધુ ઉગ્ર બનતા ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવી હતી અને હળવી નાણાનીતિનો આશાવાદ પણ નબળો પડતાં સોનામાં સુધારો મર્યાદિત અને કરેક્શન વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ટેરિફ વધારાને કારણે પણ ફુગાવાલક્ષી દબાણની શક્યતાની સોનાના ભાવ પર અસર જોવા મળી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું. 

આગામી સમયગાળામાં સોના અને ચાંદીના ભાવ પર મુખ્યત્વે ફેડરલ રિઝર્વનાં નીતિવિષયક નિર્દેશો અને વૈશ્વિક સ્તરે પ્રવાહિતાની અસર જોવા મળશે. તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તથા એક્સચેન્જ ટ્રેડેડ ફંડોનાં આંતર/બાહ્ય પ્રવાહ અને સટ્ટાકીય લે-વેચની અસર જોવા મળશે, જ્યારે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ચંચળતાનું વલણ જોવા મળે, પરંતુ લાંબાગાળે મજબૂત માગનો ટેકો મળશે, એમ મોતીલાલ ઓસવાલનાં કૉમૉડિટી વિશ્લેષક માનવ મોદીએ જણાવ્યું હતું. 

વધુમાં અહેવાલમાં આગામી મધ્યમ સમયગાળામાં સોનામાં હાલનાં મથાળેથી 6થી 8 ટકાના કરેક્શન બાદ સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4800 ડૉલર આસપાસ અને આગામી 12થી 15 મહિનામાં ભાવ 5500 ડૉલર સુધી પહોંચવાની ધારણા મૂકી છે, જ્યારે સ્થાનિક સ્તરે અમેરિકી ડૉલર સામે રૂપિયાનાં 95.5ના મૂલ્યને ધ્યાનમાં લેતા મધ્યમ સમયગાળામાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.68 લાખ અને લાંબા સમયગાળે ભાવ રૂ. 1.93 લાખ આસપાસ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.