Wed Aug 26 2026

Logo

સોનામાં રૂ. 46નો સાધારણ ઘસરકો, ચાંદીમાં રૂ. 3611ની તેજી

2026-03-17 20:12:42
Author: Ramesh Gohil
સોનામાં રૂ. 46નો સાધારણ ઘસરકો, ચાંદીમાં રૂ. 3611ની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની સપાટીની ઉપર પ્રવર્તી રહ્યા હોવાથી ફુગાવો વધવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી બની જતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો અને ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વિશ્વ બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં સોના અને ચાંદીમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં કિલોદીઠ રૂ. 3611નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 45થી 46નો સાધારણ સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ચાંદીમાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3611ના સુધારા સાથે રૂ. 2,52,340ના મથાળે રહ્યા હતા, પરંતુ વધ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી લેવાલી રહી હતી. વધુમાં આજે હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 45ના ઘટાડા સાથે રૂ. 1,55,045 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 46ના ઘટાડા સાથે રૂ. 1,55,668ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગનો વસવસો રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આૈંસદીઠ 5001.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ સાધારણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 5005.20 ડૉલર આસપાસ રહ્યા હતા અને ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 80.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

હાલમાં વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધને કારણે ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે આજે ઈરાને યુનાઈટેડ આરબ અમિરાત પર હુમલા કર્યા હતા જેને કારણે તેલ લોડિંગ માટેના મુખ્ય ફ્યુજિરાહ બંદર પર તેલના લોડિંગને લગતા કામકાજો અટક્યા હતા. તેમ જ આ હુમલાથી કટોકટી વધુ ઘેરી બને તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ છે અને અમેરિકાએ તેના સહયોગી રાષ્ટ્રોને આ માર્ગેથી ટૅન્કરોની રવાનગીની સલામતી માટે યુદ્ધ જહાજો તૈનાત રાખવાની અપીલ નકારી કાઢતાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની ઉપરની સપાટી પર જ પ્રવર્તી રહ્યા હતા. 

આમ ઈંધણની કટોકટીને કારણે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ સહિત વિશ્વના મુખ્ય અર્થતંત્રોની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓછી થવાથી સોનામાં તેજી રૂંધાઈ રહી હોવાનું ઈવાન્જેલિસ્ટાએ ઉમેર્યું હતું. 

જોકે, બજાર વર્તુળોની નજર અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન સાથેનાં વિવાદ પશ્ચાતની પહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ અને બૅન્ક ઑફ જાપાનની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.