Thu Mar 12 2026

Logo

મૃત્યુ પછી આત્માની ગતિની સમજણ આપતું ગરુડ પુરાણ

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 વિશેષઃ રાજેશ યાજ્ઞિક


પરિવારમાં જ્યારે કોઈ આપ્તજનનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારના સભ્યો શોક સંતપ્ત બને તે સ્વાભાવિક છે. ધર્મના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, આ શોક આપણા મોહનું પરિણામ છે. આપણો જેની સાથે સંબંધ હતો તે શરીર માત્ર આ ભવ પૂરતું હતું. પણ તેનો આત્મા તે પહેલા પણ હતો, અને તે પછી પણ હશે, જ્યાં સુધી તે મોક્ષ પ્રાપ્ત ન કરી લે. આ વાત આપણા ધર્મ શાસ્ત્રોએ અલગ અલગ રીતે, અનેકવાર સમજાવી છે. સંસારના ચક્રનો સાર એટલો જ છે કે શરીર વિનાશી છે અને આત્મા અવિનાશી છે. ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારબાદ, 13 દિવસ સુધી ગરુડ પુરાણનું પારાયણ કરવાની પરંપરા છે.


મહર્ષિ વેદ વ્યાસને આપણે મોટાભાગે મહાભારતના રચયિતા તરીકે ઓળખીએ છીએ. પણ તેઓએ પુરાણોની પણ રચના કરી છે, જેમાં વિજ્ઞાનનો ભંડાર છે. ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક છે. ગરુડ પુરાણમાં 19,000 શ્ર્લોક છે અને તે બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં વિષ્ણુ સાથે સંકળાયેલી ભક્તિ અને ઉપાસના વિધિઓનું વર્ણન છે. આ ભાગમાં, આપણે મૃત્યુ પછી ગરુડ પુરાણના મહત્ત્વ વિશે જાણી શકીએ છીએ. આ પુરાણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.


ગરુડ પુરાણનું પારાયણ શામાટે કરવામાં આવે છે? જેથી શોક સંતપ્ત આપ્તજનોને એ સમજાય કે જનાર વ્યક્તિનો શોક કરવો વ્યર્થ છે. આપણે પણ ભવિષ્યમાં આત્મા રૂપે આ રીતે જ અનંતની યાત્રાએ જઈશું. ગરુડ પુરાણમાં પાપ અને પુણ્યના ફળ બતાવ્યા છે, જેથી વ્યક્તિ જાગૃત થઈને ધર્મના માર્ગને વળગી રહે. 


ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને કહે છે કે, જે સદાય પાપપરાયણ રહે છે, દયા અને ધર્મથી રહિત રહે છે, દુષ્ટોની સંગતમાં રહે છે, શાસ્ત્રો અને સત્સંગથી વિમુખ રહે છે, જે અહંકારી બને છે તથા જે ધન અને માનના મદમાં પ્રચુર રહે છે તેમને આસુરી શક્તિ મળે છે, પણ દૈવી સંપત્તિથી રહિત બને છે. જે રીતે સર્પ ધીમે પગલે આવીને શિકારને વીંટળાઈ વળે, તે રીતે આવા પાપીઓને કાળ પોતાનો કોળિયો બનાવે છે. 


ગરુડ પુરાણ કહે છે કે, અંતિમ સમયે આત્માને એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, જેનાથી તે આલોક અને પરલોક બંનેને જોઈ શકે છે. પરંતુ અજિતેન્દ્રિય (જેણે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને જીતી નથી) વ્યક્તિના પ્રાણ નીકળે ત્યારે તે સંજ્ઞાશૂન્ય બની જાય છે. અર્થાત કે કંઈ પણ કહેવા માટે અસમર્થ બને છે. જેવી રીતે અપરાધીઓને લઇ જવામાં આવે તેવી રીતે પાપીઓને યમદૂત ગાળામાં પાશ નાખીને નરકનું વર્ણન કરતા કરતા લઇ જાય છે. 


પોતાના પાપનું સ્મરણ કરતા જીવ તરસ્યો અને થાકેલો સતત ચાલતો રહે છે. યમલોકમાં તેને બે થી ત્રણ મુહૂર્ત (એક મુહૂર્ત 48મિનિટ, એટલે બે ઘડી નો હોય છે) નારકી યાતનાઓનું દર્શન કરાવાય છે. બાદમાં તે પાછો મૃત્યુલોકમાં આવે છે. અનાદિ વાસનાથી પીડિત તે પોતાના શરીરમાં ફરી પ્રવેશવા માગે છે. પણ યમ પાશથી બંધાયેલો તે એવું કરી શકતો નથી અને રડતો રહે છે. 


ગરુડ પુરાણ જણાવે છે કે પાપ કે પુણ્ય જે પણ કર્મ હોય તેને ભોગવવા જ પડે છે. 13 દિવસ સુધી જીવ તેના ઘરમાં જ રહે છે. પોતાના માટે થતા ધર્મ કાર્યોને જુએ છે અને સ્વજનો દ્વારા તેને યાદ કરાઈ રહ્યા છે તે જોઈને સંતુષ્ટ થાય છે. મનુષ્યના મૃત્યુ પછી પિંડદાન શામાટે કરવું જોઈએ તે પણ તેમાં જણાવ્યું છે. વ્યક્તિના મૃત્યુ પછી યમમાર્ગની યાત્રામાં પાપી આત્માઓને ભોગવવા પડતા કષ્ટોનું વિગતવાર વર્ણન થયું છે. તે સમયે જીવ પોતાના પાપકર્મોનો યાદ કરીને રડે છે. સાથે અનેક જન્મોના મોહથી પીડિત તે મારો દેહ, મારુ ઘર, મારો પરિવાર ક્યાં ચાલ્યા ગયા તેનો વિચાર કરીને પણ રડતો રહે છે. 


એવું કહેવાય છે કે આત્મા લગભગ એક વર્ષ સુધી વિવિધ ક્ષેત્રોમાં પ્રવાસ કરે છે. તેથી આપણે ત્યાં એક વર્ષ સુધી તેના માટે માસિક પિંડદાન કરવાની પરંપરા રહી છે. આ એક વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જ તેની વરસીની ક્રિયા પણ અસ્તિત્વમાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આત્માના જીવનભરના કાર્યોના લેખાં જોખાં સંકલિત કરવામાં આવે છે. યમરાજા આત્માને સજા આપનાર દેવ નથી, પરંતુ ન્યાયાધીશ છે.