Sun Aug 23 2026

Logo

વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ૪ વર્ષના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; પક્ષીઓ મોટાભાગનું જીવન કચ્છમાં જ વિતાવે છે

2026-08-13 11:06:00
Author: Mumbai Samachar Team
Article Image

વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ૪ વર્ષના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; પક્ષીઓ મોટાભાગનું જીવન કચ્છમાં જ વિતાવે છે

ભુજ:  કચ્છની વૈશ્વિક ઓળખ સમાન સુરખાબ (ફ્લેમિંગો) પક્ષી વિશે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તેઓ મોટા પાયે દેશ-વિદેશમાં લાંબા અંતરનું સ્થળાંતર કરે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વૈજ્ઞાનિક અભ્યાસે આ ધારણાને બદલી નાખી છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંશોધકો દ્વારા ચાર વર્ષ સુધી કરવામાં આવેલા બૃહદ જીપીએસ-ટ્રેકિંગ અભ્યાસ અનુસાર, સુરખાબ ધારણા કરતાં વધુ સ્થાનિક છે અને તેઓ તેમનું મોટાભાગનું જીવન કચ્છ ક્ષેત્રની અંદર જ વિતાવે છે.

‘એવિયન રિસર્ચ’ નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત  અભ્યાસ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના 'એન્ડેન્જર્ડ સ્પીસીસ મેનેજમેન્ટ' વિભાગના સંશોધકો હરિન્દ્ર બારૈયા, ગૌરવ સિરોલા, અંજુ બારોઠ અને આર. સુરેશ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંશોધકોએ મે ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન જીપીએસ-જીએસએમ ટ્રાન્સમીટર વડે ચાર મોટા (ગ્રેટર) અને ચાર નાના (લેસર) મળી કુલ આઠ પુખ્ત સુરખાબની ગતિવિધિઓ પર સતત નજર રાખી હતી. આ સમયગાળા દરમિયાન ૬.૭ લાખથી વધુ લોકેશન રેકોર્ડ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેના આધારે એશિયાના સૌથી મહત્વપૂર્ણ સુરખાબ વસવાટ એવા કચ્છ ક્ષેત્રનો વિગતવાર નકશો તૈયાર કરાયો છે.

અભ્યાસના આશ્ચર્યજનક પરિણામો દર્શાવે છે કે ટેગ કરાયેલા તમામ પક્ષીઓ મુખ્યત્વે કચ્છ વિસ્તારમાં જ રહ્યા હતા. આ પક્ષીઓ વરસાદ, પાણીનું સ્તર અને ખોરાકની ઉપલબ્ધતા મુજબ સ્થાનિક જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્સ) વચ્ચે આવનજાવન કરે છે. તેઓ પ્રજનન ઋતુ દરમિયાન મોસમ આધારિત પાણીથી ભરાયેલા રણ વિસ્તારમાં રહે છે, જ્યારે વર્ષના બાકીના સમયમાં આંતરિક, દરિયાકાંઠાના અને ખારા વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે.

ગ્રેટર રન ઓફ કચ્છમાં આવેલું અને એશિયાનું સૌથી મોટું સુરખાબ પ્રજનન સ્થળ ગણાતું ‘ફ્લેમિંગો સિટી’ મુખ્યત્વે ગ્રેટર ફ્લેમિંગો માટે મહત્વનું નેસ્ટિંગ એરિયા રહ્યું હતું. બીજી તરફ, લેસર ફ્લેમિંગો મોટા રણમાં કુડા અને બેલા આસપાસના વેટલેન્ડ્સનો ઉપયોગ કરતા તથા નાના રણના મીઠાના અગરોમાં માળાઓ બનાવતા જોવા મળ્યા હતા. સંશોધનમાં બંને પ્રજાતિઓમાં પોતાના અગાઉના વસવાટ પ્રત્યે ભારે લગાવ (સાઇટ ફિડેલિટિ) જોવા મળ્યો છે, એટલે કે પક્ષીઓ પ્રજનન પૂર્ણ થયા બાદ પુનઃ પોતાના જૂના વેટલેન્ડ્સમાં પરત ફરે છે.

અભ્યાસ મુજબ, પ્રજનન ઋતુ દરમિયાન સુરખાબ દૈનિક ધોરણે વધુ અંતર કાપે છે. ગ્રેટર ફ્લેમિંગો પ્રજનન ગાળામાં રોજના સરેરાશ ૨૩.૪ કિમી મુસાફરી કરે છે, જે બિન-પ્રજનન ગાળાના ૧૨.૪ કિમી કરતાં બમણા જેટલી છે. તેવી જ રીતે લેસર ફ્લેમિંગો પ્રજનન સમયે રોજના સરેરાશ ૨૭.૬ કિમી અને બિન-પ્રજનન માસ દરમિયાન ૧૬.૬ કિમીનો પ્રવાસ કરે છે. દક્ષિણ-પશ્ચિમના ચોમાસા દરમિયાન જળ વિસ્તાર, ઊંડાઈ, ક્ષારતા અને ખોરાકની લભ્યતા બદલાતાં પક્ષીઓની દૈનિક હિલચાલ વધી જાય છે.

બંને પ્રજાતિઓની વસવાટ પસંદગીમાં પણ ભિન્નતા નોંધાઈ છે. લેસર ફ્લેમિંગો ખારા પાણીની નિવસનતંત્ર પર વધુ નિર્ભર રહે છે, જેમાં તેઓ બિન-પ્રજનન ગાળાનો અડધાથી વધુ સમય મીઠાના અગરોમાં અને એક તૃતીયાંશ સમય કાદવ-કીચડયુક્ત કિનારાઓ (મડફ્લેટ્સ) માં વિતાવે છે. જ્યારે ગ્રેટર ફ્લેમિંગો મીઠા અને મોળા બંને પ્રકારના પાણીના વસવાટોનો ઉપયોગ કરે છે.

આ અભ્યાસ દરમિયાન પક્ષીઓની કેટલીક દુર્લભ સરહદ પારની લાંબા અંતરની મુસાફરી પણ નોંધાઈ હતી. 'હંજ' નામના એક ગ્રેટર ફ્લેમિંગોએ પાકિસ્તાનના મિયાની હોર રામસર વેટલેન્ડમાં ત્રણ મહિના વિતાવ્યા બાદ અફઘાનિસ્તાન સુધી લંબાવીને માત્ર ૪૨ કલાકમાં ૨,૧૩૦ કિમીની મુસાફરી કરી કચ્છ પરત ફર્યો હતો. આ જ રીતે 'પદ્ધાર' નામના પક્ષીએ પણ મિયાની હોરની મુલાકાત લીધી હતી, જ્યારે 'રોહર' નામના લેસર ફ્લેમિંગોએ અજમેર સુધી ૫૪૦ કિ.મીનો પ્રવાસ કર્યો હતો.

સંશોધકોના મતે સુરખાબ સંરક્ષણ માટે માત્ર સરકારી રીતે ઘોષિત સુરક્ષિત વિસ્તારો પુરતા નથી, કારણ કે તેઓ મીઠાના અગર અને મડફ્લેટ્સ જેવા માનવ-સર્જિત તથા બિન-સુરક્ષિત વિસ્તારો પર પણ મોટા પાયે નિર્ભર છે. હાલમાં જળપ્લાવિત વિસ્તારોનું પુરાણ, ઔદ્યોગિક કચરો, કૃષિ રસાયણો તેમજ પવન અને સૌર ઊર્જા પ્રકલ્પો જેવી પ્રવૃત્તિઓ તેમના કુદરતી વસવાટ માટે જોખમ ઊભું કરી રહી છે. આથી, સુરખાબના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સમગ્ર લેન્ડસ્કેપ સ્તરે યોગ્ય જળ-સંરક્ષણના પગલાં સાથે વ્યાપક સંરક્ષણ યોજના ઘડવી અત્યંત જરૂરી છે.

(ઉત્સવ વૈદ્ય)