જીનિવાઃ મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના યુદ્ધમાં સામેલ ત્રણમાંથી બે દેશ વિશે ફૂટબૉલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ મહત્ત્વના નિર્ણયો લીધા છે જેમાં એણે ઇઝરાયલ (Israel)ને એક કિસ્સા સંબંધમાં પેનલ્ટી કરી છે અને ઇરાન (Iran)ને સાફ શબ્દોમાં કહી દીધું છે કે આગામી જૂનમાં રમાનારા ફૂટબૉલના વર્લ્ડ કપ (Football World Cup)ને લગતા શેડ્યૂલમાં હવે કોઈ જ ફેરફાર નહીં થાય એટલે એણે મૂળ સમયપત્રક મુજબ જ રમવું પડશે.
ઇઝરાયલે પોતાના પ્રદેશમાં ફૂટબૉલને લગતી માળખાકીય સગવડો ઊભી કરવાની બાબતમાં પૅલેસ્ટિનિયનોને બાકાત રાખીને ભેદભાવ રાખ્યો, ઇઝરાયલના ફૂટબૉલ ચાહકોએ વંશીય અનાદર કર્યો તેમ જ વ્યવહારું ખેલભાવનાના સિદ્ધાંતોનો ભંગ કર્યો એવું જણાવીને ફિફાએ ઇઝરાયલ ફૂટબૉલ અસોસિયેશનને 1,90,000 ડૉલર (અંદાજે 1.78 કરોડ રૂપિયા)નો દંડ કર્યો છે.
આગામી જૂનમાં ફિફા વર્લ્ડ કપ અમેરિકા ઉપરાંત મેક્સિકો અને કૅનેડામાં સંયુક્ત રીતે યોજાવાનો છે. એમાં ઇરાનની ત્રણ લીગ મૅચ અમેરિકામાં રમાવાની છે. આ ત્રણ મૅચ અમેરિકાને બદલે મેક્સિકોમાં ગોઠવી આપવાની ઇરાને ફિફાને વિનંતી કરી હતી, પરંતુ ફિફાએ ઇરાનને સાફ શબ્દોમાં કહી દીધું છે કે એ મૅચો અમેરિકામાં જ રમાશે. ત્રણમાંથી બે મૅચ લૉસ ઍન્જલસમાં અને એક મૅચ સીએટલમાં રમાવાની છે.
જૂન-જુલાઈમાં ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશની ટીમ ભાગ લેશે. ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ ઇરાનના ફૂટબૉલ ફેડરેશનને જણાવ્યું છે કે `અમે ત્રણ મહિના પહેલાં જે સમયપત્રક તૈયાર કર્યું હતું એ ઘણી બાબતોને લક્ષમાં રાખીને તૈયાર કરાયું હતું. અમે ઇચ્છીએ છીએ કે તમારી ટીમે એ મુજબ જ લીગ મૅચો રમે.'