Sat Sep 05 2026

Logo

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈમાં ફસાઈ બોલીવૂડ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા શેર કરીને કહ્યું...

2026-03-02 16:36:24
Author: Darshana Visaria
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈમાં ફસાઈ બોલીવૂડ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા શેર કરીને કહ્યું...

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર સામાન્ય નાગરિકોની સાથે સેલિબ્રિટીઝ પર પણ જોવા મળી રહી છે. બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ ઈશા ગુપ્તા પણ આ અચાનક ફાટી નીકળેલાં યુદ્ધની સ્થિતિ વચ્ચે યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં ફસાઈ ગઈ હતી. જોકે, હવે તો એક્ટ્રેસ સુરક્ષિત રીતે ઘરે પાછી ફરી ગઈ છે, પરંતુ ઈશાએ આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ યુએઈ સરકારની ભારોભાર પ્રશંસા કરી છે. ચાલો જોઈએ ઈશાએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં... 

બોલીવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા કોઈ પર્સનલ કામ અનુસાર દુબઈ પહોંચી હતી અને એ જ સમયે ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે મિસાઈલ હુમલા અને એર સ્ટ્રાઈક તેજ થઈ ગઈ હતી. યુદ્ધના કારણે હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ થવાને લીધે અને સુરક્ષાના કારણોસર અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ઈશા પણ અન્ય પર્યટકો અને નાગરિકોની જેમ ત્યાં અટવાઈ પડી હતી. 

સોશિયલ મીડિયા પર પોતાનો આ અનુભવ શેર કરતાં ઈશાએ જણાવ્યું હતું કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં પણ યુએઈની સરકારે નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે જે રીતે ત્વરિત પગલાં લીધા તે પ્રશંસનીય છે. એરપોર્ટ પર ફસાયેલા મુસાફરો માટેની વ્યવસ્થા અને ગભરાટ ફેલાયા વગર જે રીતે પરિસ્થિતિ સંભાળવામાં આવી તેનાથી ઈશા ખૂબ પ્રભાવિત થઈ હતી.

ઈશાએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને યુએઈના શાસકો અને તંત્રનો આભાર માન્યો હતો કે તેમણે આટલા મોટા સંકટ વચ્ચે પણ તેને અને અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રશંસનીય પગલાં ભર્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી અને બીજી માર્ચ 2026ના રોજ ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના હુમલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ તણાવને કારણે મધ્ય પૂર્વના દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.