નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં રોકાણકારોનો ખાસ કરીને સ્મોલકેપ અને મિડકેપ શૅરોમાં રસ જળવાઈ રહેતાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં આંતરપ્રવાહ વધીને ચાર મહિનાની ઊંચી અને આગલા જુલાઈ મહિનાના રૂ. 24,697 કરોડનાં આંતરપ્રવાહ સામે 19 ટકાના વધારા સાથે રૂ. 29,329 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ તાજેતરમાં એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એકંદરે ગત ઑગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ચોખ્ખો આંતરપ્રવાહ આગલા જુલાઈ મહિનાના રૂ. 2.36 લાખ કરોડ સામે ઘટીને રૂ. 41,353 કરોડની સપાટીએ રહ્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ ડેબ્ટલક્ષી સ્કીમોમાં આગલા જુલાઈ મહિનાના રૂ. 1.88 લાખ કરોડનાં આંતરપ્રવાહ સામે ગત ઑગસ્ટ મહિનામાં રૂ. 8.127 કરોડનો બાહ્ય પ્રવાહ જોવા મળ્યો હોવાનું માહિતી પરથી જાણવા મળ્યું છે. જોકે,ગત ઑગસ્ટ મહિનાના અંતે ઈક્વિટીલક્ષી સ્કીમોની એસેટ અન્ડર મેનેજમેન્ટ આગલા જુલાઈ મહિનાના અંતના રૂ. 85.75 લાખ કરોડ સામે વધીને રૂ. 87.07 લાખ કરોડની સપાટીએ રહી હતી.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં ઈક્વિટીલક્ષી સ્કીમોમાં ચોખ્ખો આંતરપ્રવાહ રૂ. 29,328.62 કરોડનો રહ્યો હતો. આ પૂર્વે ગત એપ્રિલ મહિનામાં રૂ. 38,440 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો, જ્યારે ગત મે અને જૂન મહિનાનો આંતરપ્રવાહ અનુક્રમે રૂ. 22,908 કરોડ અને રૂ. 28,973 કરોડના સ્તરે રહ્યો હતો. ગત ઑગસ્ટ મહિનામાં ઈક્વિટી કેટેગરીમાં ખાસ કરીને સ્મોલકેપ ફંડમાં સૌથી વધુ રૂ. 7973 કરોડનો અને ત્યાર બાદ મિડકેપ ફંડોમાં રૂ. 6989 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો. જોકે, તેની સામે લાર્જકેપ ફંડમાં રૂ. 1147 કરોડનો ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો હતો.
વધુમાં એસોસિયેશનની આંકડકીય માહિતી અનુસાર ગત ઑગસ્ટ મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડે ફંડોમાં આંતરપ્રવાહ આગલા જુલાઈ મહિનાના રૂ. 1559 કરોડનાં આંતરપ્રવાહ સામે વધીને રૂ. 2597 કરોડનો રહ્યો હતો.