Thu Oct 01 2026

Logo

‘હવે ફક્ત મજા લેવા ફરી હુમલો કરીશું’ ટ્રમ્પની ધમકીથી દુનિયાની ચિંતા વધી

Wasington D.C.   2026-03-15 10:24:00
Author: Savan Zalariya
‘હવે ફક્ત મજા લેવા ફરી હુમલો કરીશું’ ટ્રમ્પની ધમકીથી દુનિયાની ચિંતા વધી

વોશિંગ્ટન ડીસી: યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષનો હાલ કોઈ અંત નથી દેખાઈ રહ્યો, યુએસએ એરસ્ટ્રાઈક કરીને ઈરાનના પેટ્રોલિયમ તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુનો નાશ કર્યો હતો, હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટાપુ પર વધુ હુમલાઓની ધમકી આપી છે. 

ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખાર્ગ ટાપુનો મોટાભાગનો હિસ્સો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. હવે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું, "અમે હવે ફક્ત મજા લેવા માટે ત્યાં ફરી હુમલા કરી શકીએ છીએ." 

યુએસ શાંતિ માટે તૈયાર નથી!
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઈરાન આ સંઘર્ષનો અંત લાવવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે શરતો હજુ યોગ્ય નથી.
ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે યુએસએ ખાર્ગ ટાપુ પર આવેલા લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતાં. અહેવાલ મુજબ યુએસના આ હુમલાને કારણે સંઘર્ષના અંત માટે ચાલી રાજદ્વારી પ્રયાસોને નુકશાન પહોંચ્યું છે.

અહેવાલ મુજબ મધ્ય પૂર્વમાં યુએસના સાથી દેશોએ યુએસને સંઘર્ષ સમાપ્ત કરવાના હેતુથી વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસો શરુ કર્યા હતાં, ટ્રમ્પ વહીવટીતંત્રએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યા છે.

પેટ્રોલિયમ વેપારને ફટકો:
હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પરિવહન લગભગ સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે, જેને કારણે ઘણા દેશોમાં પેટ્રોલિયમ અને ઇંધણની અછત ઉભી થઇ છે. મધ્યપૂર્વમાં યુએસના સાથી દેશોના પેટ્રોલિયમ વેપારને પણ ફટકો પડ્યો છે. 

ટ્રમ્પે શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પેટ્રોલિયમ મેળવતા વિશ્વના દેશોએ આ જળમાર્ગનું ધ્યાન રાખવું જોઈએ, અમે મદદ કરીશું. યુએસએ દેશો સાથે પણ સંકલન કરશે જેથી બધું ઝડપથી, સરળતાથી અને સારી રીતે થાય."