Mon Sep 14 2026

Logo

જગત જમાદાર ટ્રમ્પ સામે ઘરઆંગણે જ વિરોધી લહેર: લાખો લોકો રસ્તા પર ઉતર્યા!

Washington DC   2026-03-29 09:14:00
Author: Devayat Khatana
જગત જમાદાર ટ્રમ્પ સામે ઘરઆંગણે જ વિરોધી લહેર: લાખો લોકો રસ્તા પર ઉતર્યા!

વોશિંગ્ટન: જગત જમાદાર બનીને ફરતા ટ્રમ્પની સામે અમેરિકામાં જ આક્રોશ ફાટી નીકળ્યો છે.  'નો કિંગ્સ'  ચળવળ હેઠળ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3,300 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 80 લાખથી વધુ લોકો આ પ્રદર્શનમાં જોડાયા હોવાના અહેવાલ છે. ન્યૂયોર્કથી લઈને સાન ડિએગો સુધીના શહેરોમાં લોકોએ "ટ્રમ્પ મસ્ટ ગો" અને "ફાઈટ ફેસિઝમ" ના નારા સાથે લોકશાહી અને બંધારણને બચાવવાની હાકલ કરી હતી.

મળતી વિગતો અનુસાર, આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર મિનિસોટા રાજ્ય રહ્યું હતું, જ્યાં તાજેતરમાં ઇમિગ્રેશન ક્રેકડાઉન દરમિયાન ફેડરલ એજન્ટો દ્વારા બે અમેરિકન નાગરિકો, રેની ગુડ અને એલેક્સ પ્રેટીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં મિનિએપોલિસ અને સેન્ટ પોલમાં અંદાજે 2 લાખ લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રદર્શનમાં રાજનેતા બર્ની સેન્ડર્સે ટ્રમ્પને 'પેથોલોજીકલ લાયર' અને 'નાર્સિસિસ્ટ' ગણાવ્યા હતા. 

ટ્રમ્પ વિરોધી આ મૂડ માત્ર અમેરિકા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ યુરોપના અનેક મોટા શહેરોમાં પણ તેના પડઘા પડ્યા છે. એમ્સ્ટરડેમ, મેડ્રિડ અને રોમ જેવા શહેરોમાં હજારો લોકોએ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ રેલીઓ કાઢી હતી. રોમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20,000 લોકોએ કૂચ કરી હતી. પ્રદર્શનકર્તાઓનો આક્ષેપ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે દેશને યુદ્ધની ખાઈમાં ધકેલી દીધો છે અને ન્યાય વિભાગનો ઉપયોગ વિરોધીઓને દબાવવા માટે કરી રહ્યા છે, જે એક રાજા જેવી માનસિકતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2025 માં ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં આ ત્રીજું મોટું દેશવ્યાપી પ્રદર્શન છે. જૂનમાં યોજાયેલા પ્રથમ પ્રદર્શનમાં 30 લાખ અને ઓક્ટોબરમાં 70 લાખ લોકો જોડાયા હતા, જેની સરખામણીએ આ વખતે સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું અહેવાલો જણાવે છે. ન્યૂયોર્કમાં રોબર્ટ ડી નીરો અને પદ્મા લક્ષ્મી જેવી હસ્તીઓએ પણ આ આંદોલનને ટેકો આપીને ટ્રમ્પને દેશની આઝાદી અને સુરક્ષા માટે મોટું જોખમ ગણાવ્યા છે.