વિઠ્ઠલ વઘાસિયા
માણસને કુદરતે બે પગ, બે હાથ, બુદ્ધિ અને વાણી આપી, પરંતુ માણસને ખરેખર ‘માણસ’ બનાવે છે કોણ? બીજાના દુ:ખને પોતાનું દુ:ખ સમજવું, બીજાની આંખમાં આંસુ જોઈને હૃદય ભીનું થઈ જવું, કોઈ અપેક્ષા વિના મદદનો હાથ લંબાવવો અને પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને બીજાના હિતનો વિચાર કરવા જેવી લાગણીથી જ એ જ માણસ બને છે.
જોકે આજના સમયની દોડધામ, દેખાડો, સ્પર્ધા અને સ્વાર્થ વચ્ચે એક પ્રશ્ન વારંવાર મનને પીડવતો રહે છે -આજનો માણસ માણસ હોવાનો અર્થ ભૂલી ગયો હોય એવું નથી લાગતું?
આજે માણસ પાસે બધું છે, પણ કદાચ ‘માણસાઈ’ ઓછી થતી જાય છે. ઘર મોટાં થયાં છે, પરંતુ હૃદય સાંકડાં બન્યાં છે. સાધનો વધ્યાં છે, પરંતુ સંબંધો ઘટ્યાં છે. વાતચીતની ટેક્નોલોજી અદ્ભુત બની છે, પરંતુ હૃદયની વાત સાંભળવાની ક્ષમતા ઘટી છે. માણસ દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે ક્ષણોમાં જોડાઈ શકે છે, પરંતુ પોતાના ઘરમાં બેઠેલી વ્યક્તિથી મનથી દૂર થતો જાય છે.
ટૂંકમાં સંબંધો છે, પણ સંવેદના ક્યાં છે?
આપણે સોશ્યલ મીડિયા પર હજારો ‘મિત્રો’ ધરાવીએ છીએ, પરંતુ મુશ્કેલીના સમયે ખભે હાથ મૂકવા માટે કેટલા લોકો આવે છે? જન્મદિવસની શુભેચ્છા માટે સેંકડો સંદેશાઓ મળે છે, પણ મનની વ્યથા સાંભળવા માટે કોઈ બે ક્ષણ ફાળવે છે ખરું?
માણસો વચ્ચેનું અંતર કિલોમીટરમાં નહીં, લાગણીમાં વધ્યું છે. આજના યુગે માણસને સતત દોડતા રહેવાનું શીખવ્યું છે, પણ વધુ પૈસા, ઊંચું પદ, પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જો-આ બધું મેળવવાની દોડમાં માણસ પોતાને જ પાછળ છોડી દે છે.
સફળતા મેળવવી ખોટી નથી. સંપત્તિ કમાવવી પણ ખોટી નથી. મહત્ત્વાકાંક્ષા પણ જરૂરી છે, પરંતુ જ્યારે સફળતા માણસાઈને ગળી જાય, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આપણે મેળવ્યું શું અને ગુમાવ્યું શું?
ટેકનોલોજી માનવજાત માટે વરદાન છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ (અઈં) એ જીવનને સરળ બનાવ્યું છે. પરંતુ પ્રશ્ન ટેક્નોલોજીનો નથી; પ્રશ્ન તેના ઉપયોગમાં રહેલી માનસિકતાનો છે.
એક જ ટેબલ પર બેઠેલા ચાર માણસો ચાર અલગ-અલગ સ્ક્રીનમાં ખોવાયેલા હોય, તો શરીર નજીક હોવા છતાં સંબંધો કેટલા દૂર છે તેનો અંદાજ આવી શકે.
આજે માણસને ‘લાઈક’ની ચિંતા છે, પણ માણસની લાગણીની નહીં. ‘ફોલોઅર્સ’ વધારવાની ચિંતા છે, પણ સંબંધોમાં વિશ્વાસ વધારવાની નહીં. ફોટામાં સ્મિત દેખાડવું સરળ છે, પરંતુ હૃદયમાં સાચું સ્મિત જાળવવું મુશ્કેલ બની ગયું છે. સ્ક્રીન તેજસ્વી બની છે, પણ સંબંધોની રોશની ઝાંખી પડી રહી છે.
દુ:ખ પ્રત્યેની સંવેદના કેમ ઘટી રહી છે?
રસ્તા પર અકસ્માત થાય છે ત્યારે મદદ માટે દોડવાને બદલે કેટલાક લોકો મોબાઈલ કાઢીને વીડિયો બનાવે છે. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેને બચાવવાની જગ્યાએ તેની તસવીર પાડવાની ઉતાવળ થાય છે. કોઈ વ્યક્તિ માનસિક રીતે તૂટી રહી હોય ત્યારે તેની વાત સાંભળવાને બદલે આપણે તેને ‘મજબૂત બન’ કહીને આગળ વધી જઈએ છીએ.
આ માત્ર વ્યવહારની ખામી નથી- આ સંવેદનાના ક્ષયની નિશાની છે.
માણસની સૌથી મોટી ઓળખ તેની બુદ્ધિ નહીં, પરંતુ તેની કરુણા છે. જો કોઈના આંસુ આપણને સ્પર્શતા નથી, તો આપણી આંખો ભલે સ્વસ્થ હોય, પરંતુ હૃદય ક્યાંક બીમાર છે.
આમ છતાં સમગ્ર ચિત્ર નિરાશાજનક નથી. આજે પણ એવા લોકો છે જે અજાણ્યા માણસને રક્ત આપે છે, ભૂખ્યાને ભોજન આપે છે, રસ્તામાં પડેલા ઘાયલને હૉસ્પિટલ પહોંચાડે છે, વૃદ્ધોને સહારો આપે છે, અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવે છે અને આપત્તિના સમયે પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાને બચાવે છે. આ લોકો આપણને યાદ અપાવે છે કે માણસાઈ મરી નથી- માત્ર તેને જગાડવાની જરૂર છે.
એક નાનકડું સ્મિત, કોઈને ધ્યાનથી સાંભળવું, જરૂરિયાતમંદને મદદ કરવી, વૃદ્ધ માતા - પિતાની પાસે થોડો સમય બેસવું, ભૂલ કરનારને માફ કરવો, કર્મચારી કે નબળા માણસ સાથે માનપૂર્વક વર્તવું - આ બધું માણસાઈનાં જ સ્વરૂપ છે અને આજની સૌથી મોટી જરૂરિયાત ‘વધુ માણસો’ની નથી- વધુ માણસાઈવાળા માણસોની છે.