Tue Aug 18 2026

Logo

લગ્ન પહેલાં જ રોનાલ્ડોના સંબંધમાં વિવાદ! પ્રી-વેડિંગ એગ્રીમેન્ટની શરતો જાણીને આવી જશે ચક્કર

spain   2026-08-03 22:12:11
Author: Mumbai Samachar Team
Article Image

Cristiano Ronaldo and Georgina Rodriguez


વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની મંગેતર જ્યોર્જિના રોડ્રિગ્ઝ ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે કારણ તેમના લગ્ન નહીં, પરંતુ લગ્ન પહેલાં તૈયાર કરાયેલા કહેવાતા પ્રી-વેડિંગ એગ્રીમેન્ટને લઈને છે.

સ્પેનના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, રોનાલ્ડો અને જ્યોર્જિનાની લીગલ ટીમે તેમના પ્રી-વેડિંગ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓ અનુસાર, જો લગ્ન બાદ બંને વચ્ચે સંબંધોમાં તણાવ આવે અથવા છૂટાછેડાની સ્થિતિ સર્જાય, તો રોનાલ્ડોને મોટી આર્થિક જવાબદારીનો સામનો કરવો પડી શકે છે.

વાયરલ અહેવાલો મુજબ, પ્રી-વેડિંગ એગ્રીમેન્ટમાં એવી જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ભવિષ્યમાં રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝના સંબંધમાં તિરાડ પડે અને બંને વચ્ચે છૂટાછેડા થાય, તો જ્યોર્જિનાને દર મહિને અંદાજે 1 લાખ યુરો (આશરે 1 કરોડ રૂપિયા) જીવનનિર્વાહ ભથ્થા તરીકે આપવામાં આવશે. એટલું જ નહીં, મેડ્રિડમાં આવેલું લગભગ 50 લાખ યુરો (આશરે 50 કરોડ રૂપિયા) મૂલ્યનું વૈભવી નિવાસસ્થાન પણ જ્યોર્જિનાના નામે કરવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  

આ કથિત પ્રી-વેડિંગ એગ્રીમેન્ટમાં જ્યોર્જિના રોડ્રિગ્ઝને તેમના વ્યક્તિગત ખર્ચ માટે દર મહિને 1 લાખ 21 હજાર ડોલર, આજીવન ભથ્થા તરીકે 1 લાખ 10 હજાર ડોલર અને બાળકોના ભરણપોષણ માટે દર મહિને 5 લાખ ડોલર ચૂકવવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેથી બાળકો વૈભવી જીવનશૈલી જાળવી શકે. એટલું જ નહીં, આ કથિત કરારમાં જ્યોર્જિનાને મેડ્રિડ અને લિસ્બનમાં આવેલી કુલ 5.6 મિલિયન ડોલરની રિયલ એસ્ટેટ સંપત્તિ, પોતાની જીવનશૈલી જાળવવા માટે દર વર્ષે 2 મિલિયન ડોલર, બે લક્ઝરી કાર, ખાનગી જેટ દ્વારા મુસાફરીની સુવિધા તેમજ દર વર્ષે બે વૈભવી વેકેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિગતો મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ પર આધારિત છે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે જ્યોર્જિના રોડ્રિગ્ઝ તરફથી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો અને જ્યોર્જિના છેલ્લા લગભગ 10 વર્ષથી એકબીજા સાથે સંબંધમાં છે. બંનેની સગાઈને પણ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 1 ઓગસ્ટે તેમના લગ્ન અંગે કેટલીક અટકળો સામે આવી હતી, જેને બંને પરિવારો દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રી-વેડિંગ એગ્રીમેન્ટને લઈને ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. અનેક યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે આ એગ્રીમેન્ટને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, તો કેટલાકે રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે.

જોકે, સૌથી મહત્વની વાત એ છે કે આ વાયરલ થઈ રહેલા એગ્રીમેન્ટ અને તેમાં દર્શાવવામાં આવેલા દાવાઓ અંગે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અથવા જ્યોર્જિના રોડ્રિગ્ઝ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી મુંબઈ સમાચાર આમાંથી કોઈ પણ દાવાઓની પુષ્ટિ કરતુ નથી