Fri Apr 17 2026

Logo

ઈન્દોર કોર્પોરેશનમાં વંદે માતરમ મુદ્દે વિવાદ વકર્યો, કોંગ્રેસ ભાજપ આમને સામને

2026-04-10 18:23:18
Author: Chandrakant Kanoja
Article Image

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોર કોર્પોરેશનમાં કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કરવા મુદ્દે વિવાદ વકર્યો છે. જેમાં ભાજપે આ કૃત્યને વખોડયું છે અને તેને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવીને વોટબેંકની રાજનીતિ ગણાવી છે. જયારે કોંગ્રેસના કાઉન્સિલરોએ તેને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ ગણાવ્યો છે. 

કોંગ્રેસના કાઉન્સિલરોએ વંદે માતરમ ગાવાનો ઇનકાર કર્યો 

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ 8 એપ્રિલના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠક દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરો ફૌઝિયા શેખ અલીમ અને રૂબીના ઇકબાલે 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કર્યો હતો. આ  બંને કાઉન્સિલરોએ કહ્યું હતું કે તેમનો ધર્મ તેની પરવાનગી આપતો નથી. આ ઘટના બાદ  સભા દરમિયાન હોબાળો મચી ગયો હતો અને ભાજપના કાઉન્સિલરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઇન્ડી ગઠબંધનભારત વિરોધી 

આ મુદ્દે  કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે આ ફક્ત એક અલગ ઘટના નથી પરંતુ વિપક્ષની માનસિકતાનું પ્રતિબિંબ છે. તેમણે ઇન્ડી ગઠબંધનને ભારત વિરોધી ગણાવી  તેમણે આરોપ લગાવ્યો કે આ પક્ષો બંધારણ કરતાં ધાર્મિક વિચારધારાઓને પ્રાથમિકતા આપે છે. પૂનાવાલાએ વધુમાં ટિપ્પણી કરી કે કોંગ્રેસ પક્ષના એક ચોક્કસ વર્ગે શરૂઆતથી જ 'વંદે માતરમ'નો સતત વિરોધ કર્યો છે.

બંધારણ કરતાં વોટબેંકની રાજનીતિને પ્રાથમિકતા 

પૂનાવાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સિદ્ધારમૈયાએ 'વંદે માતરમ'નો વિરોધ કર્યો છે. તેમજ હવે  ગઠબંધનના સભ્યો - તેમજ કોંગ્રેસ પક્ષના નેતાઓ  તેને ગાવાનો સતત ઇનકાર કરી રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે આ એટલા માટે છે કારણ કે તેઓ બંધારણ કરતાં વોટબેંકની રાજનીતિને પ્રાથમિકતા આપે છે.

'વંદે માતરમ' ગાવા માટે ફરજ પાડી શકાય નહીં

આ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલર ફૌઝિયા શેખ અલીમે પોતાનો બચાવ કરતા કહ્યું કે તેમને બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે અને કોઈ પણ તેમને 'વંદે માતરમ' ગાવા માટે ફરજ પાડી શકે નહીં. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ રાષ્ટ્રીય ગીતનું સન્માન કરે છે.