Tue Aug 18 2026

Logo

ચોટીલા ધામમાં બઘડાટી! સુરક્ષાકર્મીઓ અને દર્શનાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

2026-08-16 17:39:46
Author: Devayat Khatana
Article Image

ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં સુરક્ષાકર્મીઓ, શ્રદ્ધાળુઓ અને મંદિરના સ્ટાફ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચોટીલા પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ડુંગર પર  મંદિર પરિસરમાં એક સુરક્ષાકર્મી અને દર્શનાર્થી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જો કે જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 
આ ઘર્ષણમાં બંને પક્ષે મારામારી થતાં મંદિરના કેટલાક કર્મચારીઓ પણ તેમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે દર્શન માટે ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓમાં દોડધામ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ મારામારી અને ઘર્ષણમાં બંને પક્ષના કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, આ વિવાદ મંદિરના ટ્રસ્ટની ઓફિસ સુધી પહોંચ્યો હતો અને ત્યાં પણ બંને જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણ ચાલુ રહ્યું હતું. 

આ મામલે મંદિરના પૂજારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ સુરક્ષા ગાર્ડને લાફો મારી દીધા બાદ આ સમગ્ર મામલો બિચક્યો હતો. જોકે, આ ઘટના પાછળનું સાચું કારણ શું હતું અને પરિસ્થિતિ આટલી હદે કેમ વણસી ગઈ, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ચોટીલાના PIએ જણાવ્યું હતું કે  પોલીસ વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી રહી છે અને તેમાં જે તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે ચોટીલા ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા એક અત્યંત મહત્વનો મુદ્દો બની રહે છે.