કાઠમંડુ/બેઈજિંગઃ નેપાળમાં 26મી ઓગસ્ટે આવેલા અચાનક પૂરને કારણે તબાહીનું નિર્માણ થયું છે ત્યારે હવે ચીનમાં આવેલા ભૂકંપે સ્થાનિક લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે ચીનના સિચુઆન પ્રાતંમાં 5.1 તીવ્રતાના ભૂકંપને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેપાળમાં પણ એક પછી એક એલર્ટ આપવામાં આવી રહ્યા છે, ત્યારે તિબેટમાં પણ ડેમ તૂટવાની માહિતી પછી રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. ઉપરવાસમાં પાણીના ભરાવાને કારણે ત્રિશુલી નદીના જળસ્તરમાં પણ વધારો થવાનું જોખમ વધી ગયું છે.
વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સમગ્ર ત્રિશુલી નદીના વિસ્તારના લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ચીનના અર્થક્વેક સેન્ટરના અહેવાલ અનુસાર ભૂકંપ સિચુઆન પ્રાંતના દક્ષિણ-પશ્ચિમ સ્થિત લોંગચાંગ શહેરમાં આવ્યો હતો. આ ભૂકંપને કારણે સમગ્ર શહેરમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું.
ભૂકંપને કારણે નેપાળ પોલીસે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. પોલીસે પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તિબેત તરફનો ડેમ તૂટવાના અહેવાલ છે. નેપાળ પોલીસે સુરક્ષા કર્મચારીઓ, રાહત અને બચાવ કામ કરનારા લોકોને કામ રોકવાનો આદેશ આપ્યો છે તેમ જ સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ કરી છે ત્રિશુલી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.
સેના અને હેલિકોપ્ટર મારફત બચાવ અભિયાન જારી
નેપાળના વિપક્ષના નેતા ભીષ્મ રાજ આંગદેમ્બેએ કહ્યું છે કે મુશ્કેલી ભૌગોલિક પરિસ્થિતિ છતાં નેપાળ સેના દ્વારા હેલિકોપ્ટર મારફત બચાવ અભિયાન ચાલુ છે. ભૌગલિક પરિસ્થિતિ અને હવામાન ખરાબ હોવાથી પડકારોનું નિર્માણ થયું છે, પણ નેપાળ આર્મી અને હેલિકોપ્ટર મારફત બચાવ કામગીરી ચાલુ છે. ઉપરવાસ વિસ્તારમાં થઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષિત પગલા ભરવામાં આવ્યા છે. સંઘીય, પ્રાંતીય અને સ્થાનિક સરકારે સાથે મળીને કામ કરી રહી છે. બચાવ અભિયાનમાં નેપાળ આર્મીના બે હેલિકોપ્ટર સિવાય ખાનગી કંપનીના હેલિકોપ્ટર લગાવ્યા છે.
નેપાળ પૂરથી સૌથી વધુ જાનહાનિ ચિતવન જિલ્લામાં થઈ
નેપાળમાં આવેલા પૂરને કારણે કુલ મૃત્યુઆંક વધીને 469 થયો છે, જ્યારે 1,500થી વધુ ઘાયલ થયા છે. સૌથી વધુ ચિતવન જિલ્લામાં અસર થઈ છે, જ્યાંથી સૌથી વધુ મૃતદેહ મળી આવ્યા છે. એના પછી એનપી ઈસ્ટ, ગોરખા, નુવાકોટ, ધાંડિગ, તનહુન, એનપી વેસ્ટ અને રસુવાનો સમાવેશ થાય છે. રસુવામાંથી 650 અને નુવાકોટમાંથી 898 લોકોને બચાવવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.