બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીન અને રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના અધિકારને ફરીથી સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને બ્રિક્સ અને એસસીઓ ફોરમ પર નજીકથી સહયોગ કરવો જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને વધુ ન્યાયસંગત અને તર્કસંગત દિશામાં આગળ વધી શકાય છે.
બીજિંગમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સાથે એક બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ શીએ બંન્ને દેશોએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક એક તરફી કાર્યવાહી વિરુદ્ધ પોતાના પ્રયાસોને ઝડપી કરવાની હાકલ કરી હતી.
જિનપિંગે ભારપૂર્વક કહ્યું હતું કે દુનિયાને "જંગલના કાયદા" (અરાજકતા)માં પાછા જવાથી રોકવી જોઈએ. તેમણે બહુપક્ષીયતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને ફરીથી સ્થાપિત કરવા માટે પોતાના સાથી દેશો મોસ્કો અને બીજિંગ વચ્ચે ગાઢ સહયોગની માંગ કરી હતી.
જિનપિંગે રશિયાના વિદેશ પ્રધાન લાવરોવને કહ્યું હતું કે બહુપક્ષીય સહયોગને મજબૂત બનાવવા, બહુપક્ષવાદને મજબૂત રીતે સમર્થન આપવા અને પ્રચાર કરવા, સંયુક્ત રાષ્ટ્રના અધિકાર અને તેમની જીવંતતાને ફરીથી સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવું અને શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) અને બ્રિક્સના માળખામાં ગાઢ સંકલન અને સહયોગ જાળવવો જરૂરી છે, જેથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના વિકાસને વધુ ન્યાયી અને તર્કસંગત દિશામાં આગળ વધારી શકાય."
ઈરાન વિરુદ્ધ ટ્રમ્પના યુદ્ધ અને સાથે જ ચીન અને રશિયા બંન્નેના સહયોગી દેશ વેનેઝુએલામાં સત્તા પર લગભગ સંપૂર્ણ નિયંત્રણ લાવવાના તેમના પ્રયાસો વચ્ચે લાવરોવની ચીનની યાત્રા બાદ મોસ્કો અને બીજિંગ પાસેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે તે સંયુક્ત રાષ્ટ્રમાં તેમના સંકલનને વધારે જ્યાં તેઓ સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ગાઢ મિત્રતા ધરાવતા જિનપિંગે કહ્યું કે બંને દેશોએ વ્યૂહાત્મક સંકલ્પ જાળવી રાખવો જોઈએ, એકબીજા પર વિશ્વાસ અને ટેકો આપવો જોઈએ, સંયુક્ત વિકાસને આગળ ધપાવવો જોઈએ અને તેમના સંબંધિત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવા જોઈએ.