Sun Sep 27 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 15 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-15 07:32:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 15 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-15 22:01:58

ભારતીય ચેસ ખેલાડીઓને પાંચ કલાકે રૂમ મળી!

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં બુધવાર, 16મી સપ્ટેમ્બરે ચેસ ઑલિમ્પિયાડ શરૂ થશે અને એ માટે આ શહેરમાં આવેલા ભારતીય ખેલાડીઓએ હૉટેલમાં રૂમ મેળવતાં પાંચ કલાક સુધી ઝઝૂમવું પડ્યું હતું. તેમણે ધાર્યા કરતાં ઘણા વધુ સમય સુધી રાહ જોવી પડી હતી. ભારતીય ટીમના કૅપ્ટન એસ. નારાયણન અને ગ્રેન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ સોશ્યલ મીડિયા પર મુશ્કેલીઓ વિશે ચાહકોને અને સત્તાધીશોને વાકેફ કર્યા હતા.

2026-09-15 22:01:34

ભારત 14.00ની સરેરાશે રન ખડકી રહ્યું છે!: સૅમસન ફૉર્મમાં આવી ગયો

અફઘાનિસ્તાને સિરીઝની બીજી ટી-20માં 160 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતના બૅટ્સમેનોએ જોરદાર ફટકાબાજી કરી છે. આશરે 14.00ની સરેરાશે રન બનાવ્યા છે. ઓપનર અભિષેક ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 19 બૉલમાં 39 રન બનાવીને આઉટ થઈ ગયો ત્યાર બાદ સંજુ સૅમસનને ઇશાન કિશનનો સાથ મળ્યો હતો. સૅમસન પાછો ફૉર્મમાં આવી ગયો છે અને તેણે ધમાકેદાર બૅટિંગ કરી છે જેમાં તેણે ચાર છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી બાવીસ બૉલમાં 57 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. તેણે અભિષેક સાથે 38 બૉલમાં 88 રનની ભાગીદારી કરી હતી. આઠમી ઓવરમાં સ્કોર બે વિકેટે 107 રન હતો.

2026-09-15 21:14:39

ભારતને અફઘાનિસ્તાને આપ્યો 160 રનનો સાધારણ લક્ષ્યાંક

અફઘાનિસ્તાને ભારત સામે બીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 159 રન બનાવ્યા અને ભારતને 160 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાને 37 રન બનાવીને વિકેટ ગુમાવી ત્યાર બાદ બીજો કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. આઠમાંથી ત્રણ વિકેટે પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડીએ, બે વિકેટ અર્શદીપે તેમ જ એક-એક વિકેટ સ્પિનર અક્ષર, બિશ્નોઈએ તેમ જ મુખ્ય પેસ બોલર બુમરાહે લીધી હતી. ભારત આ મૅચ જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી શકશે.

2026-09-15 20:13:01

અફઘાનિસ્તાને બન્ને ઓપનર ગુમાવ્યા

ભારત સામેની બીજી ટી-20માં અફઘાનિસ્તાને 51 રનમાં બન્ને ઓપનર ગુમાવી દીધા છે. અર્શદીપની બીજી જ ઓવરમાં રહમનુલ્લા ગુરબાઝે શૂન્યમાં રવિ બિશ્નોઈને કૅચ આપીને વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ કૅપ્ટન ઝડ્રાન અને સેતિકુલ્લા અટલ વચ્ચે 51 રનની ભાગીદારી થઈ હતી. જોકે નવમી ઓવરમાં નીતીશ કુમાર રેડ્ડીએ ઝડ્રાનને પણ બિશ્નોઈના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ઝડ્રાને 33 બૉલમાં છ ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. નવમી ઓવરને અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 2/58 હતો.

2026-09-15 19:57:38

યુપીઆઈથી પેમેન્ટ કરનારા નવા નિયમો જાહેર

યુપીઆઈથી પેમેન્ટ કરનારા કરોડો લોકો માટે મહત્ત્વના સમાચાર છે કે એનપીસીઆઈએ યુપીઆઈ મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નું નવું ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરી છે, જેમાં બે હજાર રુપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં, પણ એનાથી વધુ રકમ પર ચાર્જ લેવાશે. પંદર ઓક્ટોબરથી નવા નિયમ લાગુ થશે.

2026-09-15 19:44:30

ભારતે ફીલ્ડિંગ પસંદ કરી, અફઘાનિસ્તાને બુમરાહની ઓવર હેમખેમ કાઢી

દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝની પ્રથમ મૅચ જીતી લીધા પછી આજે બીજી મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. અફઘાનિસ્તાનના ઓપનર અને કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાને ઝંઝાવાતી બોલર જસપ્રીત બુમરાહની મૅચની પ્રથમ ઓવર હેમખેમ પૂરી કરી હતી. તેના તમામ છ બૉલ ડૉટ બૉલ હતા. ભારતની ટીમમાં એકમાત્ર ફેરફાર કરાયો છે જેમાં ઈજાગ્રસ્ત વરુણ ચક્રવર્તીના સ્થાને રવિ બિશ્નોઈને રમવાનો મોકો અપાયો છે. ભારતે ત્રણ મૅચની આ શ્રેણીમાં રવિવારે પ્રથમ ટી-20 સાત વિકેટે જીતી લીધી હતી.

2026-09-15 17:40:31

ગુજરાત હાઇકોર્ટે 44 વર્ષ બાદ મંજૂર કરી પતિની છૂટાછેડાની અરજી, પત્ની વર્ષ 1992 બાદ ઘરે પરત ના ફરી

ગુજરાત હાઇકોર્ટે છૂટાછેડાનો એક અનોખો આદેશ આપ્યો છે. કોર્ટે 67 વર્ષના પતિ અને 65 વર્ષની પત્નીને છૂટાછેડાનો આદેશ આપ્યો છે.  જેમાં વર્ષ 1992માં પિયર ગયેલી પત્ની 44 વર્ષ સુધી પરત ફરી ન હતી.

2026-09-15 10:22:57

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં યુવકે કર્યો આપઘાત

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીથી મદદની આશાએ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકે આપઘાત કર્યો છે. પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈ યુવકે ગળાફાંસો ખાતા પોલીસ પણ દોડતી થઈ હતી.

2026-09-15 08:27:15

સવારના બે કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી 8 ના બે કલાકના સમયગાળામાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કચ્છના માંડવીમાં સૌથી વધુ 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 0.87 ઇંચ, કચ્છના અબડાસામાં 0.67 ઇંચ, ભુજમાં 0.59 ઇંચ, ભાવનગરના સિહોરમાં 0.47 ઇંચ વરસાદ વરસ્યો હતો.

2026-09-15 07:34:00

રાજ્યમાં 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો  ખુશ થઈ ગયા છે.