Sat Sep 12 2026

Logo

ભાજપના પદાધિકારી પર હુમલો: મનસેના અંબરનાથ એકમના પ્રમુખની ધરપકડ

2026-08-13 19:34:14
Author: Yogesh C. Patel
ભાજપના પદાધિકારી પર હુમલો: મનસેના અંબરનાથ એકમના પ્રમુખની ધરપકડ

થાણે: અંબરનાથમાં ભાજપના પદાધિકારી પર તેની જ ઑફિસમાં ઘૂસીને કથિત હુમલો કરવા પ્રકરણે પોલીસે શહેર એકમના પ્રમુખ અને તેના સાથીની ધરપકડ કરી હતી.

શિવાજી નગર પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે બની હતી. જૂની અદાવતમાંથી આ હુમલો કરાયો હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. આ મામલે ગુનો નોંધી મનસેના શૈલેષ શિર્કે અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્હાસનગર કોર્ટે તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ભાજપનો સ્થાનિક પદાધિકારી લક્ષ્મીનારાયણ ચૌહાણ મિત્રો અને પરિવારના સભ્યો સાથે વડવલી વિસ્તારમાં આવેલી તેની ઑફિસમાં બેઠો હતો ત્યારે શિર્કે મનસેના કાર્યકરો સાથે ત્યાં આવ્યો હતો. બળજબરીથી ઑફિસમાં ઘૂસેલા કાર્યકરો ચૌહાણને બહાર ખેંચી લાવ્યા હતા. ઑફિસનું શટર બંધ કરી દેવામાં આવતાં અનેક મહિલાઓ અંદર પુરાઈ ગઈ હતી. બાદમાં રસ્તા પર ચૌહાણની મારપીટ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘટના બાદ ફરિયાદ નોંધાવવા ભાજપના નેતાઓ અને કાર્યકરો શિવાજી નગર પોલીસ સ્ટેશને ભેગા થયા હતા. તે જ સમયે મનસેના સમર્થકો પણ આવી પહોંચતાં તંગદિલીભર્યું વાતાવરણ નિર્માણ થયું હતું. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હંગામો વધી જતાં ભાજપના કાર્યકરોએ શિર્કેને ફટકાર્યો હતો અને તેના વાહનની તોડફોડ કરી હતી.

પોલીસ અધિકારીઓએ મધ્યસ્થી કરીને બાખડી પડેલા કાર્યકરોને સમજાવ્યા હતા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. ફરિયાદને આધારે શિર્કે અને તેના સાથી વિરુદ્ધ ખંડણી, લૂંટ, ઑફિસમાં જબરદસ્તી ઘૂસીને હંગામો કરવા સહિત એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સામે પક્ષે શિર્કેની મારપીટ અને વાહનની તોડફોડમાં સંડોવાયેલા ભાજપના કાર્યકરો વિરુદ્ધ મનસેના સમર્થકોએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે પોલીસે અંબરનાથના સંવેદનશીલ વિસ્તારની સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી હતી.

(પીટીઆઈ)