ભુજઃ ખામી ભરેલી સુરક્ષાના કારણોસર અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતી રહેતી ભુજની પાલારા ખાસ જેલમાં બિછાવાયેલા ગટરના પાઈપમાંથી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, વાઇફાઇ રાઉટર અને ચાર્જર મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, પાલારા જેલ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઝડપી સ્કોર્ડે રૂટીન મુજબ છાનબીન કરતાં જનરલ સંડાસ-બાથરૂમની આગળના ભાગે આવેલા ગટરની ચેમ્બરના પાઈપની અંદર છુપાવી રાખેલો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, જીઓનું 4G વાઇફાઇ રાઉટર તથા એક ચાર્જર મળી આવ્યા હતા.
બિનવારસી હાલતમાં હાથ લાગેલા આ પ્રતિબંધિત ઉપકરણ અંગે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ તમામ ઉપકરણોને એફ.એસ.એલ. ખાતે ચકાસણી અર્થે મોકલી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
કચ્છ જેવા સરહદી વિસ્તારની આ હાઈ સિક્યોરિટી જેલની અંદર પ્રતિબંધિત ઉપકરણોનો કોણે અનધિકૃત ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા જેલમાં બેઠાં બેઠાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને આચરવામાં આવી છે કે કેમ, આ ઉપકરણો ક્યારે આ જેલમાં ઘૂસાડવામાં આવ્યાં તે સહિતના અનેક સવાલો સર્જાયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની ભાગોળે આવેલી પાલારા જેલમાંથી સમયાંતરે મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળતી જ રહે છે, ફરિયાદો પણ નોંધાતી રહે છે પરંતુ પાછળથી તપાસનો નિષ્કર્ષ કદી જાહેર થતો નથી જે એક આશ્ચર્યની બાબત હોવાનું સુરક્ષાના જાણકારો જણાવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)