Tue Sep 15 2026

Logo

ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, ભાવનગર શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ

2026-09-14 12:15:00
Author: Mumbai Samachar Team
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, ભાવનગર શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ

ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ભાવનગર શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

તળાજા, મહુવા સહિતના તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદના જોરદાર ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. વાડી વિસ્તારોમાં પણ વરસાદને કારણે પાણી બહાર નીકળી આવ્યા હતા. 

લાંબા વિરામ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાના વિવિધ ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 80.23 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 30.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 58.56 ટકા, પૂર્વ મધ્યમાં 80.58 ટકા, સૌરાષ્ટ્રમાં 59.28 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.82 ટકા વરસાદ પડ્યો છે. 

નર્મદા ડેમ 94 ટકાથી વધુ ભરાયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 94.74 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકા ભરાયેલા છે.  રાજ્યમાં 19 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 40 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 25 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે.  79 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.