મુંબઈ: ચોમાસાની વહેલી વિદાય બાદ ઑક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ ભારતમાં આકરી ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો હતો. હવે લોકો ગુલાબી ઠંડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા અત્યંત તીવ્ર ‘અલ નીનો’ (El Niño)ની અસરને લીધે ચોમાસા બાદ હવે શિયાળાના પ્રારંભિક મહિનાઓમાં પણ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગના સત્તાવાર માસિક અનુમાન અનુસાર હિમાલયની તળેટીના ગણ્યાગાંઠ્યા ભાગોને બાદ કરતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં નવેમ્બર મહિના દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે.
ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ કિનારા પર સૌથી વધુ અસર
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અલ નીનોના કારણે ઉષ્ણતામાનમાં થનારા વધારાનો સૌથી મોટો ફટકો ગુજરાત અને રાજસ્થાન ને પડશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે મુંબઈ, થાણે, કોંકણ સહિત સમગ્ર પશ્ચિમ પટ્ટામાં નવેમ્બરમાં પણ દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં પણ આગામી દિવસોમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો અંદાજ છે, જેના કારણે રાતનો સમય પણ સામાન્ય કરતાં વધુ હુંફાળો રહેશે.
નવેમ્બર અને ડિસેમ્બરમાં 'અલ નીનો' વધુ તીવ્ર બનશે
ગ્લોબલ ક્લાઈમેટ મોડલ્સ: 'મોન્સૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટ સિસ્ટમ' અને વૈશ્વિક હવામાન સંસ્થાઓના લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અત્યંત મજબૂત અલ નીનો કન્ડિશન બની છે, જે નવેમ્બર અને ડિસેમ્બર, 2026 દરમિયાન વધુ ઘેરી બનશે. દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે અને ચોમાસું વહેલું પાછું ખેંચાઈ ગયું હતું, જેથી જમીનમાં ભેજનો અભાવ ગરમીમાં વધારો કરી રહ્યો છે.
ક્યાં મળશે આંશિક રાહત?
જોકે, મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન (રાતનું તાપમાન) સામાન્ય અથવા સામાન્ય કરતાં સહેજ ઓછું રહી શકે છે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે નવેમ્બરના બીજા પખવાડિયા (15મી નવેમ્બર પછી) બાદ ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાન ઘટવાનું શરૂ થતું હોય છે. પરંતુ આ વખતે અલ નીનોની તીવ્રતા જોતાં રાજ્યમાં હાડ થીજવતી ખરી ઠંડી માટે ડિસેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડી શકે છે.