Thu Nov 19 2026

Logo

મોદીના માનીતા પાટીદાર નેતાને મળી શકે છે મોટી જવાબદારીઃ પીએમના પ્રવાસ બાદ ગુજરાતમાં શરૂ થઈ નવી ચર્ચા

2026-11-02 15:08:15
Author: Mayur Patel
મોદીના માનીતા પાટીદાર નેતાને મળી શકે છે મોટી જવાબદારીઃ પીએમના પ્રવાસ બાદ ગુજરાતમાં શરૂ થઈ નવી ચર્ચા

ગાંધીનગરઃ કેન્દ્રીય પ્રધાનમંડળમાં લાંબા સમયથી બદલાવની ચર્ચા થઈ રહી છે, પરંતુ અત્યાર સુધીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને કેન્દ્ર સરકાર તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી. જોકે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ ફરી પ્રધાનમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું છે. મોદી સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન તથા યુવા બાબતો અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયાને ભાજપના સંગઠનમાં મોટી ભૂમિકા મળી શકે છે. આ ચર્ચાએ દિલ્હીથી લઈ ગુજરાત સુધી હલચલ મચાવી છે. 2024માં માંડવિયા પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. આ પહેલાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. માંડવિયા એક સમયે ગુજરાતના મુખ્ય પ્રધાનના પ્રબળ દાવેદાર હતા. તેઓ 2016થી પીએમ મોદીના પ્રધાનમંડળમાં હોવાથી હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે. 

54 વર્ષના માંડવિયા 20 વર્ષની ઉંમરથી જ એબીવીપી સાથે જોડાયા હતા અને ગુજરાતની કાર્યકરી સમિતિના સભ્ય બન્યા હતા, ત્યાર બાદ લાંબી ઈનિંગ સંગઠન અને સરકારમાં રમી ચુક્યા છે. તેઓ 24 વર્ષની વયથી જ ભાજપ યુવા મોરચા સાથે જોડાયેલા હતા. જે બાદ માત્ર 26 વર્ષની વયે જ પાલીતાણા તાલુકા ભાજપના અધ્યક્ષ બન્યા હતા. પાટીદાર સુમદાયમાંથી આવતાં માંડવિયા ભાવનગરના રહેવાસી છે. છેલ્લા થોડા સમયથી કેન્દ્રીય પ્રધાનની સાથે તેમની સક્રિયતા યુવા મોરચાના કાર્યક્રમમાં પણ વધી છે. આ કારણે તેમને સંગઠનમાં કોઈ નવો રોલ આપવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

માંડવિયા ગુજરાત ભાજપના સચિવ અને મહાસચિવ જેવી જવાબદારી સંભાળી ચૂક્યા છે. સ્વાસ્થ્ય પ્રધાન તરીકે કોવિડ-19 મહામારી દરમિયાન દેશમાં રસીકરણ અને સ્વાસ્થ્ય સુવિધા મેનેજમેન્ટમાં તેમની મોટી જવાબદારી રહી હતી. તેમણે દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોનું વિસ્તરણ કર્યું હતું. જેમાં આમ આદમીને ખૂબ ઓછી કિંમતે 800થી વધુ પ્રકારની જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમણે હૃદયના ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેંટ અને ઘૂંટણના ઈમ્પલાંટની મહત્તમ કિંમતો નિયંત્રિત કરી હતી.

માંડવિયા તેમની સાદગી અને પર્યાવરણ પ્રેમ માટે જાણીતા છે. તે ઓ સંસદ ભવનમાં સાયકલ લઈને જાય છે અને 2016માં જેઓ ત્યારે પ્રથમ વખત પ્રધાન બન્યા ત્યારે શપથ ગ્રહણ માટે રાષ્ટ્રપતિ ભવનમાં પણ સાયકલ લઈને પહોંચ્યા હતા. તેઓ સામાજિક જાગૃતિ અને ગાંદીવાદી મૂલ્યોના પ્રચાર માટે લાંબી પદયાત્રા કરી ચુક્યા છે. તેમણે છેલ્લી યાત્રા સરદાર પટેલના જન્મના 150 વર્ષ પૂરા થવા પર કરમસદથી કેવડિયા સુધી કરી હતી.