ભાટી એન.
ભારત સરકારનું રેલવે બોર્ડ ખરેખર નિત નવીન પ્રગતિનાં સોપાન સર કરે છે. તે વાત 100 ટકા સાચી છે, એક સમયે ખોટનો ધંધો ગણાતું રેલવે આજે રૂપિયા કમાય છે. આજે ડીઝલ એન્જિનની જગ્યાએ ઇલેક્ટ્રિક એન્જિન, ડબલ લાઈન નાખતા સમય પ્રમાણે ટ્રેન ચાલે. આથી ફાસ્ટ ટ્રેનનો યુગ આવી ગયો. તેમાં લોકલ, ફાસ્ટ ટ્રેન કચડાય ગઈ.!
જી હા, 2020માં કોરોના પહેલા બ્રોડગેજ લાઈન હતી અને ડીઝલ એન્જિન હતા પણ ગ્રામ્ય વિસ્તારને પૂરતી સુવિધા આપવા રેલવે કટીબદ્ધ હતી, ગામડાનો ખેડુ ને મધ્યમ, ગરીબની પોસાતી સૌરાષ્ટ્રની મેઈન લાઈન એટલે ઓખા= અમદાવાદ, જેમાં શરૂઆતથી જ સૌરાષ્ટ્ર મેઈલ, જનતા, કીર્તિ, ઇન્ટરસિટી જેવી ટ્રેન સવારે ગ્રામ્ય વિસ્તારનાં નાના રેલવે સ્ટેશનને પૂરતી સુવિધા માટે સુચારું આયોજન હતું.
સવારે ફાસ્ટ જે ઇન્ટરસિટી સાથે તાલ મિલાવી ચાલતી. દાખલા તરીકે સવારે ઇન્ટરસિટી પહેલા ફાસ્ટ ટ્રેન વાંકાનેરથી ઊપડે અને લુણસરીયા, દલડી, લાખામાચી ઊભી રહે અને થાનગઢ ઊભી રહે એટલે તમામ નાના સ્ટેશનને લાભ મળે અને ફક્ત 10 રૂપિયામાં જઈ શકે. તેની પાછળ ઇન્ટરસિટી આવે જે વાંકાનેરથી ઊપડે અને સીધી થાનગઢ ઊભી રહે તે સમયે 30 રૂપિયા ટિકિટનાં થાય પણ ગરીબ, ગામડાનાં લોકોને પાયાની સુવિધા મળી જતી.
બપોરે લોકલ 11 વાગ્યે વાંકાનેરથી ઊપડે અને થાનગઢ જતા તમામ નાના સ્ટેશને ઊભી રહે અને બપોરે 12 વાગ્યે ઇન્ટરસિટી ઊપડે. આવી રીતે સાંજે સાડા ચારે લોકલ વાંકાનેર આવે તે અમદાવાદથી જામનગર તરફ જાય અને સાંજે સાત વાગ્યે ફાસ્ટ આવે તે અમદાવાદથી ઓખા સુધી બધા સ્ટેશન લેતી જાય. આથી રેલવેનાં તમામ નાના સ્ટેશન ધમધમતા અને જેને ફાસ્ટમાં સૂતા સૂતા દ્વારકા કાળીયા ઠાકરનાં દર્શન કરવા જવું હોય તે સવાર પડતા દ્વારકા આવે. આથી ખૂબ જ ઉપયોગી ટ્રેન હતી.
2020માં ઓચિંતો કાળ મુખો કોરોના આવ્યો અને લોકડાઉન થતા તમામ ટ્રેનો બંધ કરવાની નોબત આવી. સમયાંતરે અમુક લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનો ચાલુ થઈ. તેની સાથે સૌરાષ્ટ્રમાં મેઈન લાઈન વિરમગામથી રાજકોટ તરફ ડબલ લાઈનો નાખી દેવામાં આવી. સજોડે ઇલેક્ટ્રિક લાઈનો નાખતા રેલવેનો વાહન વહેવાર એટલો ઝડપી થઈ ગયો કે અત્યારે નોન સ્ટોપ પેસેન્જર, ગુડઝ ટ્રેનો ચાલુ હોય છે.
રેલવેએ અમીર લોકો તરફ દ્રષ્ટિપાત રાખી રૂપિયા કમાવા, વંદે ભારત, વિકલી ટ્રેનો અનાપ સનાપ આપી. સાથે રેલવેએ એક કામ સારું કર્યું કે તમામ નાના સ્ટેશન દાખલા તરીકે બિલેશ્વર, ખોરાણા, કણકોટ, સિંધાવદર, અમરસરથી લઈને વિરમગામ સુધીનાં તમામ સ્ટેશન પર અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરી, જેવી કે ડબલ પ્લેટફોર્મ, લોખંડની અફલાતૂન સીડી, છાપરા, બેસવાનાં બાંકડા સ્ટેશન માસ્ટરની ઓફિસ, ટિકિટબારી ને કુદરતી હાજતે જવાની વ્યવસ્થા કરી, ઘડિયાળ નાખી, પ્લેટફોર્મ નંબર બોર્ડ, સીસીટીવી કેમેરા નાખી રોડ સાઈડનાં નાના રેલવે સ્ટેશનને આટલી સુવિધા આપવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કર્યો, પણ 2020 પછી કોરોના પૂર્ણ થયો ટ્રેનો તમામ ચાલુ થઈ પણ દુ:ખ સાથે કહેવું પડે કે આજની તારીખે લોકલ, ફાસ્ટ ચાલુ નથી કરી.
જો નાના સ્ટેશનમાં આટલી સુવિધા આપી તો ટ્રેનનો સ્ટોપ તો આપો. આવો પ્રશ્ન સહેજે તમામ ગ્રામ્ય જનને થાય. અરે લોકલ ટ્રેનની જગ્યાએ કોઈ ડેમુ કે મેમુ ટ્રેન પણ ચલાવતા નથી. શોભાનાં ગાંઠિયા જેવા અમુક સ્ટેશને રાત્રે શટલ ટ્રેન ઊભી રહે છે, તેનો કોઈ મીનિંગ સરતો નથી, રેલવેએ નાના સ્ટેશનને લાભ આપવો જોઈએ. આજે બસ પણ ગામડાનાં રૂટ પર અમુક ચાલે છે. તો સરકારે ખરેખર ગામડાનો વિકાસ કરવો હોય તો લોકલ, ફાસ્ટ જેવી ટ્રેનો ચલાવે તો રેલવેએ ખર્ચ કરેલ રૂપિયાનું વળતર મળે. બાકી નોન સ્ટોપ જતી ટ્રેનો જોઈ ગામડાનાં લોકોનાં દિલમાં થાય કે એકાદ ટ્રેન અમારા ગામડામાં ઊભી રહે તો કેવું સારું.