Thu Sep 10 2026

Logo

ઑગસ્ટમાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ 24.23 લાખ યુનિટની વિક્રમ સપાટીએ

2026-09-07 19:28:45
Author: Ramesh Gohil
ઑગસ્ટમાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ 24.23 લાખ યુનિટની વિક્રમ સપાટીએ

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં વરસાદની મોસમ હોવા છતાં જ્યારથી જીએસટી 2.0 સુધારાનો અમલ થયો ત્યારથી ઑટોમોબાઈલનાં રિટેલ વેચાણમાં વૃદ્ધિનો ક્રમ જળવાઈ રહેતાં કુલ વેચાણ ઑગસ્ટ, 2025નાં 20,62,038 યુનિટ સામે 17.51 ટકાની વૃદ્ધિ સાથે 24,23,201 યુનિટની વિક્રમ સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન(ફાડા)એ એક યાદીમાં જણાવ્યું છે. 

એસોસિયેશનનાં જણાવ્યાનુસાર ગત ઑગસ્ટમાં ઈતિહાસમાં પહેલી વખત પેસેન્જર વાહનોનાં કુલ વેચાણમાં પેટ્રોલના 40.85 ટકા હિસ્સાની સરખામણીમાં વૈકલ્પિક ઈંધણ (જેમ કે સીએનજી, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક) વાહનોના વેચાણનો હિસ્સો 41.95 ટકા થયો હતો. એકંદરે ચોમાસાનો સમયગાળો હોવા છતાં સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવ અને ઓનમ જેવાં તહેવારોને ધ્યાનમાં લેતાં ગ્રાહકોની માગ ખુલતાં ગત ઑગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં રિટેલ વેચાણ 6.48 ટકા ઘટ્યું હોવા છતાં વર્ષાનુવર્ષ ધોરણે 17.51 ટકાની વૃદ્ધિ સાથે વેચાણ 24,23,201 યુનિટનું રહ્યું હોવાનું ફાડાનાં પ્રમુખ સાઈ ગિરધરે જણાવ્યું હતું. 

તેમના મતાનુસાર ગયા મહિનામાં વાહનોના વેચાણમાં જોવા મળેલા મુખ્ય પરિવર્તનોમાં પેસેન્જર વાહનોના કુલ વેચાણમાં પેટ્રોલ ઈંધણ ધરાવતાં વાહનોનાં વેચાણની ટકાવારી 40.85 ટકાની રહી હતી, જ્યારે વૈકલ્પિક સીએનજી, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણની ટકાવારી વધીને 41.95 ટકાના સ્તરે રહી હતી. જોકે, એક વર્ષ અગાઉ પેટ્રોલ વાહનોનાં વેચાણની ટકાવારી 11 પર્સન્ટેજ પૉઈન્ટ વધુ રહી હતી. 

ગત સાલ સપ્ટેમ્બર મહિનામાં જીએસટીનાં દરમાં સુધારા કરવામાં આવ્યા ત્યારથી ઑટો ઉદ્યોગમાં વેચાણ વૃદ્ધિ આકર્ષક રહી છે. ગત ઑગસ્ટ મહિનામાં રિટેલ સ્તરે પેસેન્જર વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 16.14 ટકા વધીને 4,02,398 યુનિટ (3,46,468 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું. આ સિવાય દ્વીચક્રી વાહનોનું વેચાણ 19.69 ટકા વધીને 17,14,610 યુનિટ (14,32,537 યુનિટ), ત્રિચક્રી વાહનોનું વેચાણ 8.64 ટકા વધીને 1,22,281 યુનિટ (1,12,553 યુનિટ), વેપારી વાહનોનું વેચાણ 14.45 ટકા વધીને 90,769 યુનિટ (79,306 યુનિટ)નાં સ્તરે રહ્યું હતું. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં વરસાદની ખાધ વધી છે અને 14 રાજ્યોમાં 13 ટકા ઓછો વરસાદ થયો હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં ટ્રેક્ટરનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે સ્થિર અને આગલા જુલાઈ મહિનાની સરખામણીમાં 25.03 ટકા ઓછું થયું છે. જોકે, અન્ય વાહનોમાં ગ્રામીણ સ્તરે વેચાણ શહેરની તુલનાએ વધુ રહ્યું છે. જેમાં ગ્રામીણ સ્તરે પેસેન્જર વાહનોની વેચાણ વૃદ્ધિ 24.99 ટકા અને શહેર સ્તરે 10.93 ટકા રહી હતી. તે જ પ્રમાણે વેપારી વાહનોના વેચાણમાં ગ્રામીણ સ્તરે વેચાણ વૃદ્ધિ 16.33 ટકા અને ત્રિચક્રી વાહનોની વેચાણ વૃદ્ધિ 23.95 ટકા રહી હતી. જોકે, શહેરી સ્તરે ત્રિચક્રી વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. 

ફેડરેશનનાં જણાવ્યાનુસાર 81.62 ટકા ડીલરો આગામી સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બરમાં વેચાણ વૃદ્ધિદર જળવાઈ રહેવાની, 17.09 ટકા ડીલરો વેચાણ વૃદ્ધિ સ્થિર રહેવાની અને માત્ર 1.28 ટકા ડીલરો વૃદ્ધિદર ઘટવાની શક્યતા જોઈ રહ્યા છે.