Thu Sep 10 2026

Logo

આસામ વિધાનસભામાં યુસીસી બિલ મંજૂર, બિલ મંજૂર કરનારું ત્રીજું રાજ્ય બન્યું

2026-05-27 16:51:00
Author: Chandrakant Kanoja
આસામ વિધાનસભામાં યુસીસી બિલ મંજૂર, બિલ મંજૂર કરનારું ત્રીજું રાજ્ય બન્યું

ગુવાહાટી : આસામ વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ પસાર થયું છે.  આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ સંબંધિત બાબતોમાં ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા નાગરિકો માટે એક સમાન કાનૂની માળખું લાગુ કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે. જોકે, વિપક્ષે માંગ કરી હતી કે બિલને પહેલા વિગતવાર ચર્ચા માટે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે.

વિપક્ષની માંગને નકારી કાઢી 

જેમાં આસામ યુનિફોર્મ સિવિલ કોડ- 2026 બિલ પર દિવસભરની ચર્ચા બાદ વિધાનસભાના અધ્યક્ષ રણજિત કુમાર દાસે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને તેને પસાર કરવા માટે ગૃહમાં રજૂ કરવા વિનંતી કરી હતી. સ્પીકરે બિલને વધુ ચર્ચા માટે પસંદગી સમિતિને મોકલવાની વિપક્ષની માંગને નકારી કાઢી હતી. ત્યારબાદ વિપક્ષના સભ્યો ગૃહના વેલમાં ધસી ગયા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. 

હોબાળા વચ્ચે બિલ ધ્વનિ મતથી પસાર

વિધાનસભાના અધ્યક્ષે હોબાળા વચ્ચે બિલને ધ્વનિ મતથી પસાર કર્યું. આ સમય દરમિયાન સત્તા પક્ષના સભ્યો 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ' ના નારા લગાવતા રહ્યા. અધ્યક્ષે જાહેરાત કરી કે, હું જાહેર કરું છું કે આ બિલ પસાર થઈ ગયું છે. 

કાયદો અનુસૂચિત જનજાતિ સમુદાયના સભ્યોને લાગુ પડશે નહીં

જોકે, આ કાયદો આસામમાં રહેતા અનુસૂચિત જનજાતિ સમુદાયના સભ્યોને લાગુ પડશે નહીં. આ બિલમાં અનેક કડક દંડની જોગવાઈ પણ છે. જેમાં દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ માટે સાત વર્ષ સુધીની કેદ અને લિવ-ઇન રિલેશનશિપ નોંધણી ન કરાવવા બદલ ત્રણ મહિના સુધીની જેલની સજાનો સમાવેશ થાય છે.

યુસીસી બિલ પસાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું

આ બિલ પસાર થતાં આસામ ઉત્તરાખંડ અને ગુજરાત પછી યુસીસી કાયદો ઘડનાર ત્રીજું રાજ્ય બન્યું છે. આ  દરમિયાન ગોવામાં સમાન નાગરિક કાયદો  પોર્ટુગીઝ શાસનથી અમલમાં છે.