Mon Oct 05 2026

Logo

એશિયન ગેમ્સઃ ઓપનિંગ સેરેમનીમાં મનુ ભાકર અને તેજિન્દરપાલ સિંહ તૂર બનશે ધ્વજવાહક, પણ ઉદ્ઘાટન પહેલાં નાગોયામાં કેમ મચી અફરાતફરી?

2026-09-18 19:07:00
Author: Darshana Visaria
એશિયન ગેમ્સઃ ઓપનિંગ સેરેમનીમાં મનુ ભાકર અને તેજિન્દરપાલ સિંહ તૂર બનશે ધ્વજવાહક, પણ ઉદ્ઘાટન પહેલાં નાગોયામાં કેમ મચી અફરાતફરી?

જાપાનના આઈચી-નાગોયા ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સના ભવ્ય ઓપનિંગ સેરેમની માટે ભારતીય દળના ધ્વજવાહકોના નામની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ડબલ મેડલ જીતીને ઈતિહાસ રચનાર સ્ટાર નિશાનેબાજ મનુ ભાકર અને એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દિગ્ગજ શોટપુટ એથ્લેટ તેજિન્દરપાલ સિંહ તૂર 19મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ત્રિરંગો લહેરાવશે અને 500થી વધુ ખેલાડીઓના ભારતીય દળની સંયુક્ત આગેવાની કરશે. 

ભારતના શેફ-દ-મિશન સહદેવ યાદવે મનુ ભાકરના નામની પુષ્ટિ કરી હતી, જ્યારે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા તજિન્દરપાલ સિંહ તૂરને બીજા ધ્વજવાહક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

બંને ધ્વજવાહકોની સુવર્ણ સિદ્ધિઓ:

પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને 10 મીટર મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

31 વર્ષીય શોટપુટ ચેમ્પિયન તેજિન્દરે 2018 જકાર્તા એશિયન ગેમ્સ અને 2023 હાંગઝૂ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. હવે તેઓ સતત ત્રીજા ગોલ્ડ મેડલ તરફ નજર રાખી રહ્યા છે.

ઓફિશિયલ ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં શુક્રવારે નાગોયાના ગાર્ડન પિયર ખાતે પરંપરાગત ફ્લેગ હોસ્ટિંગ સમારોહ યોજાયો હતો, જેમાં ભારત સહિત ૫ દેશોના પ્રતિનિધિમંડળ ઉપસ્થિત હતા. ભારતના ડેપ્યુટી શેફ-દ-મિશન અચંતા શરથ કમલ અને અંજલિ ભાગવત મંચ તરફ આગળ વધ્યા ત્યારે જ આયોજકો દ્વારા ટેકનિકલ સમસ્યા અને ટીમ વિવાદનું કારણ આપીને કાર્યક્રમ અચાનક રોકી દેવામાં આવ્યો હતો.

આ વખતે આયોજકોએ પરંપરાગત ગેમ્સ વિલેજને બદલે કન્ટેનર-શૈલીના આવાસ, હોટલો અને ક્રૂઝ શિપ (કોસ્ટા સેરેના) માં ખેલાડીઓ માટે રોકાણની વ્યવસ્થા કરી છે, જેને પગલે રૂમ એલોટમેન્ટ અને તાલીમ સ્થળો સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.