Sat Sep 12 2026

Logo

અંધેરીના જર્જરિત મંદિરના પુન:નિર્માણ માટે પ્લોટના રિઝર્વેશનને બદલો: ટ્રસ્ટની બીએમસી સમક્ષ માગ

2026-08-12 10:46:20
Author: Sapna Desai
અંધેરીના જર્જરિત મંદિરના પુન:નિર્માણ માટે પ્લોટના રિઝર્વેશનને બદલો: ટ્રસ્ટની બીએમસી સમક્ષ માગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અંધેરી (પશ્ર્ચિમ)માં આવેલા પ્રખ્યાત લક્ષ્મી નારાયણ મંદિરની હાલત જર્જરિત હોવાથી તેનું સંચાલન કરનારા ટ્રસ્ટે મુંબઈ મહાનગરપાલિકાને બાજુમાં રહેલા પ્લોટ બગીચાના રિઝર્વેશનને બદલવાની  માગણી કરી છે, જેથી કરીને મંદિરનો પ્લોટ અને બગીચા માટે અનામત રહેલા પ્લોટ પર ભવ્ય મંદિરનું તેઓ પુન:નિર્માણ કરી શકે.

અંધેરી (પશ્ર્ચિમ)માં લક્ષ્મી નારાયણ મંદિર આવેલું છે, જેનું  સંચાલન કરતા શ્રીમદ ભારત મંડળી ટ્રસ્ટની વિનંતીને પગલે પાલિકાનેે અંબિવલી, અંધેરી પશ્ર્ચિમમાં ૨,૨૭૮.૯૦ સ્કેવર મીટરના પ્લોટમાંથી ૧,૮૪૦ ચોરસ મીટરના જગ્યામાંમાંથી  બગીચાના આરક્ષણને હટાવવાની માગણી કરી છે. ટ્રસ્ટે માગ કરી છે કે જર્જરિત મંદિરના પુન:નિર્માણની સુવિધા માટે બિન-અનામત જમીનને બાજુના રહેણાંક ઝોન સાથે મર્જ કરવામાં આવે. 

પાલિકાની સુધાર સમિતિની બુધવારે થનારી બેઠક સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. એજન્ડા મુજબ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ આ પ્લોટમાં અલગ અલગ રિઝર્વેશન છે. તે ૧૯૬૭માં રમતના મેદાન માટે, ૧૯૯૧માં મનોરંજન માટેનું મેદાન માટે આરક્ષિત કરવામાં આવ્યું હતું અને ૨૦૧૨ના સર્વેક્ષણમાં તેને આંશિક રીતે સામાજિક સુવિધા અને ઝૂંપડપટ્ટીના ક્લસ્ટર માટે આરક્ષિત દર્શાવવામાં આવ્યું હતું. વિકાસ યોજના ૨૦૩૪ હેઠળ, પ્લોટ બગીચા અને ઉદ્યાન માટે આરક્ષિત છે.

૧૯૬૧માં નોંધાયેલ ટ્રસ્ટે મંદિરની નબળી સ્થિતિ અને ભક્તોની વધતી સંખ્યાને ટાંકીને મહારાષ્ટ્ર રિજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ, ૧૯૬૬ની કલમ ૩૭ હેઠળ આરક્ષણ હટાવવાની માગણી કરી છે. સુધાર સમિતિના એજેન્ડા મુજબ  આ પ્લોટ પર મંદિર દાયકાઓથી અસ્તિત્વમાં છે અને પ્રોપર્ટી કાર્ડ ટ્રસ્ટના નામે છે. ટ્રસ્ટની વિનંતીના આધારે પ્રસ્તાવમાં આશરે ૧,૮૪૦ ચોરસ મીટર વિસ્તારને ડી-રિઝર્વ કરવાનો અને તેને રહેણાંક ઝોનમાં ઉમેરવાનો છે. જો સુધારા સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવે તો આ પ્રસ્તાવને  અંતિમ વિચારણા માટે રાજ્યના અર્બન ડેવપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે મોકલવામાં આવશે.