Thu Aug 27 2026

Logo

અમરેલીમાં મેઘતાંડવ, બે તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

2026-07-06 08:18:00
Author: Mayur Patel
અમરેલીમાં મેઘતાંડવ, બે તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

Ai Image


અમદાવાદઃ ગુજરાત પર એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અમરેલીના રાજુલામાં સર્વાધિક 10.79 ઇંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે આજે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે અને ઘણા ગામડાઓમાં મોટા પાયે નુકસાન થયું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં 10 ઇંચથી વધારે, એક તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકા 6 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, છ તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, 14 તાલુકામાં 2 ઇંચથી વધારે, 32 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

અમરેલીના રાજુલામાં સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં 5.16 ઇંચ, સાવરકુંડલામાં 5.04 ઇંચ, જાફરાબાદમાં 4.92 ઇંચ, ડાંગમાં 4.57 ઇંચ, વિજયાનગરમાં 4.49 ઇંચ, બગસરામાં 4.29 ઇંચ, લીલીયામાં 4.21 ઇંચ, ઉનામાં 4.21 ઇંચ, જેસરમાં 4.21 ઇંચ, ચીખલીમાં 3.58 ઇંચ, ચીખલીમાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

મહુવા (ભાવનગર)માં 2.99 ઇંચ,વાપીમાં 2.95 ઇંચ, ગારિયાધારમાં 2.80 ઇંચ, ડોલવણમાં 2.76 ઇંચ, ઉમરગાવમાં 2.72 ઇંચ, ગીર ગઢડામાં 2.72 ઇંચ, ગણદેવીમાં 2.64 ઇંચ, કોડીનારમાં 2.6 ઇંચ, વ્યારામાં 2.48 ઇંચ, ચુડામાં 2.17 ઇંચ, અંબિકામાં 2.09 ઇંચ,  કપરાડામાં 209 ઇંચ, અમરેલીમાં 2.01 ઇંચ, મહેસાણામાં 1.97 ઇંચ, વઘાઈ 1.93 ઇંચ, પાલીતાણામાં 1.85 ઇંચ, સૂત્રાપાડામાં 1.81 ઇંચ, કોટડા સાંગાણીમાં 1.77 ઇંચ, ઓલપાડમાં 1.77 ઇંચ, વિસાવદરમાં 1.57 ઇંચ, તારાપુરમાં 1.57 ઇંચ, કુકાવાવ વડિયામાં 1.42 ઇંચ, સિદ્ધપુરમાં 1.42 ઇંચ, લખતરમાં 1.38 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, દાંતામાં 1.34 ઇંચ, વડગામમાં 1.34 ઇંચ, કડીમાં 1.34 ઇંચ, ગોંડલમાં 1.34 ઇંચ, નવસારીમાં 1.34 ઇંચ, હળવદમાં 1.34 ઇંચ, વિસનગરમાં 1.30 ઇંચ, સાયલામાં 1.30 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આજે કયા જિલ્લામાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં ઑરેન્જ એલર્ટ તથા જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.