Sat Oct 03 2026

Logo

84 વર્ષની વયે આખરે અમિતાભ બચ્ચનને કઈ વાતનો સતાવી રહ્યો છે વસવસો? ઓન સ્ક્રીન કર્યો ચોંકાવનારો ખુલાસો...

2026-09-11 18:07:15
Author: Darshana Visaria
84 વર્ષની વયે આખરે અમિતાભ બચ્ચનને કઈ વાતનો સતાવી રહ્યો છે વસવસો? ઓન સ્ક્રીન કર્યો ચોંકાવનારો ખુલાસો...

બોલીવૂડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાની દમદાર અદાકારી અને ભારેખમ અવાજથી દાયકાઓથી દર્શકોના દિલો પર રાજ કરી રહ્યા છે. ફિલ્મ જગતમાં દરેક સિદ્ધિ હાંસલ કરવા છતાં તેમના જીવનમાં એક એવી ઈચ્છા છે જે આજ સુધી અધૂરી રહી ગઈ છે. પોપ્યુલર ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'ના આગામી એપિસોડમાં બિગ બીએ પોતાની આ અધૂરી ખ્વાહિશ વિશે ખુલીને વાત કરી હતી. ચાલો જોઈએ 84 વર્ષની વયે આખરે બિગ બીને કઈ વાતનો છે વસવસો... 

લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ દરમિયાન એક સ્પર્ધક સાથેની રસપ્રદ વાતચીતમાં અમિતાભ બચ્ચને સ્વીકાર્યું હતું કે સંગીત પ્રત્યે ભારે લગાવ હોવા છતાં તેઓ સંગીત શીખી શક્યા નથી, જેનો તેમને આજે પણ ઊંડો અફસોસ છે. શોના સ્પર્ધક કૃતજ્ઞા નૈયરે અમિતાભ બચ્ચનને દેશના સૌથી મોટા કન્ટેન્ટ ક્રિએટર ગણાવ્યા હતા અને તેમની સાથે સોશિયલ મીડિયા પર લોકપ્રિય 'ધીસ ઓર ધેટ' (This or That) ગેમ રમવાની વિનંતી કરી હતી.

આ ગેમ રમતાં રમતાં જ સ્પર્ધકે સવાલ પૂછ્યો કે, શું તેઓ પોતાના ભૂતકાળના કોઈ દિવસને ફરીથી જીવવા માંગશે કે પછી એવો દિવસ જીવવાનું પસંદ કરશે જે તેમણે ક્યારેય જીવ્યો નથી પરંતુ હંમેશા જીવવાની તમન્ના રહી હોય?  આ સવાલના જવાબમાં બિગ બીએ જણાવ્યું હતું કે, તેમના જીવનમાં એટલી બધી ઘટનાઓ બની છે કે કયો દિવસ ફરી જીવવો તે પસંદ કરવું મુશ્કેલ છે, પરંતુ જે દિવસ ક્યારેય જીવી નથી શક્યા તે સંગીત શીખવાનો દિવસ છે.

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે જ્યારે તેઓ મોટા ગાયકો અને સંગીતકારોને સાંભળે છે ત્યારે વિચારમાં પડી જાય છે કે તેઓ આટલું અદભુત કેવી રીતે ગાઈ-વગાડી લે છે.

84 વર્ષની વયે પોતાની ભાવના વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ઘરમાં સંગીત શીખવા માટે જરૂરી એવા તમામ વાદ્યયંત્રો ખરીદીને રાખ્યા છે. તેમના પર હું ફૂલમાળા ચડાવું છું કે ક્યારેક એવો દિવસ આવશે જ્યારે હું કંઈક શીખીશ. હવે મારી ઉંમર 84 વર્ષ થઈ ગઈ છે અને હજુ સુધી કંઈ શીખી શક્યો નથી, જેનું મને ખૂબ જ દુઃખ છે.