Mon Oct 05 2026

Logo

ગર્લફ્રેન્ડ આવી, પણ શેલ્ટન હારી ગયોઃ પ્રેમિકા ન આવી, પણ ઝવેરેવ જીતી ગયો!

New York   2026-09-15 20:12:23
Author: Ajay Motiwala
ગર્લફ્રેન્ડ આવી, પણ શેલ્ટન હારી ગયોઃ પ્રેમિકા ન આવી, પણ ઝવેરેવ જીતી ગયો!

ન્યૂ યૉર્કઃ રવિવારે અહીં યુએસ ઓપનની પુરુષોની ફાઇનલમાં જર્મનીના ઍલેક્ઝાંડર ઝવેરેવ (Zverev)એ અમેરિકાના બેન શેલ્ટનને 6-3, 7-2, 5-7, 6-2થી હરાવીને 2026માં કરીઅરનું બીજું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. નવાઈની વાત એ છે કે શેલ્ટન (Shelton)ની ગર્લફ્રેન્ડ આ મૅચ જોવા મોડી મોડી આવી હતી, પણ શેલ્ટન ત્યારે હારી રહ્યો હતો અને છેવટે પરાજિત થયો હતો. ઝવેરેવની આ મહત્ત્વની મૅચ જોવા તેની પ્રેમિકા નહોતી આવી શકી, પણ ઝવેરેવે ટાઇટલ જીતીને તરત જ મોબાઇલ પર તેનો સંપર્ક કરીને જીત સેલિબ્રેટ કરી હતી.

ઝવેરેવ જૂનમાં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યો હોવાથી તેના માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. જુલાઈમાં તે ફાઇનલ હારી જતાં વિમ્બલ્ડનનું ટાઇટલ ચૂકી ગયો હતો, પણ હવે યુએસ ઓપનમાં પહેલી વખત ચૅમ્પિયન બન્યો છે. 2020માં તે જરાક માટે યુએસ ઓપનની ટ્રોફી ચૂકી ગયો હતો.

બીજી તરફ, બેન શેલ્ટનને યુએસ ઓપનનું ટાઇટલ જીતનાર 2003 પછીનો પ્રથમ અમેરિકી પુરુષ ખેલાડી બનવાનો મોકો હતો જે તેણે ગુમવ્યો હતો. 2003માં ઍન્ડી રૉડિક આ ટાઇટલ જીત્યો હતો. શેલ્ટનને આ ટૂર્નામેન્ટ જીતનાર 1968 પછીનો પ્રથમ અશ્વેત ખેલાડી બનવાની પણ તક હતી. 1968માં અશ્વેત પ્લેયર આર્થર ઍશ યુએસ ઓપન જીત્યા હતા.

શેલ્ટનની ગર્લફ્રેન્ડ ટ્રિનિટી રૉડમૅન અમેરિકાની જાણીતી ફૂટબૉલ ખેલાડી છે અને રવિવારે તે એક મહત્ત્વની ફૂટબૉલ મૅચ રમી હોવાથી બૉયફ્રેન્ડ શેલ્ટનની ટેનિસ મૅચ શરૂઆતથી નહોતી જોઈ શકી. તે સ્ટેડિયમમાં આવી ત્યાર બાદ થોડી જ વાર પછી શેલ્ટન હારી ગયો હતો.

ઝવેરેવની ગર્લફ્રેન્ડ સોફિયા થૉમલ્લા જર્મનીની જાણીતી ટીવી અભિનેત્રી છે. તે અગત્યના ટીવી શૉમાં વ્યસ્ત હોવાથી બૉયફ્રેન્ડ ઝવેરેવની મૅચ જોવા ન્યૂ યૉર્ક નહોતી આવી શકી. જોકે ઝવેરેવે ટાઇટલ જીતી લીધું હતું.