Mon Oct 05 2026

Logo

આગરકરના બન્ને સંભવિત અનુગામી પાર્થિવ અને પ્રજ્ઞાન છે રોહિત શર્માના ખાસ મિત્ર

2026-09-17 19:48:13
Author: Ajay Motiwala
આગરકરના બન્ને સંભવિત અનુગામી પાર્થિવ અને પ્રજ્ઞાન છે રોહિત શર્માના ખાસ મિત્ર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરની મુદત આવતા મહિનાની શરૂઆતમાં પૂરી થઈ રહી છે અને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તેનો કૉન્ટ્રૅક્ટ નહીં લંબાવે એવી અટકળ વચ્ચે જે બે ભૂતપૂર્વ ક્રિકેટરના નામ બોલાય છે તેઓ રોહિત શર્માના મિત્ર છે અને આઇપીએલમાં તેમની સાથે કામ કરી ચૂક્યા છે. શુક્રવારે મુંબઈમાં યોજાનારીબીસીસીઆઇની વાર્ષિક સભામાં આગરકરના મુદ્દે નિર્ણય લેવાશે એવી પાક્કી શક્યતા છે.

આગરકરના અનુગામી તરીકે પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાના નામ બોલાય છે અને ભારત વતી સાથે રમી ચૂક્યા છે. પાર્થિવ અને પ્રજ્ઞાનના નામ વિશે થઈ રહેલી અટકળ સાથે રોહિત શર્માનું નામ જોડવા પાછળ એક ખાસ કારણ છે.

2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રોહિત શર્માને ભારતની વન-ડે ટીમમાં જાળવી રાખવો કે નહીં? એ મુદ્દે બીસીસીઆઇ અને આગરકર (AGARKAR) વચ્ચે મતભેદ હોવાના અહેવાલ વચ્ચે આગરકરનું ચીફ સિલેક્ટર તરીકેનું ભાવિ ડામાડોળ થઈ ગયું છે. કહેવાય છે કે રોહિત ભારતની નવી વન-ડે ટીમનો હિસ્સો નથી એવા સિલેક્શન કમિટીના અભિગમથી ક્રિકેટ બોર્ડ નારાજ છે. બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ તાજેતરમાં જ રોહિત શર્માની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે `વન-ડે ટીમમાં રોહિતના સ્થાન વિશે કોઈ જ ભય કે દ્વિધા ન હોવી જોઈએ, કારણકે તે લગભગ દરેક મૅચમાં સારું રમે છે. તે સિલેક્ટરોના પ્લાનમાં રહેશે ત્યાં સુધી રમી શકશે.' કહેવાય છે કે સૈકિયાની જાહેર ટિપ્પણીથી આગરકર નારાજ થયો હતો.

તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામે ભારતનો વન-ડે સિરીઝમાં 1-2થી પરાજય થયો હતો, પણ એ શ્રેણીની અંતિમ મૅચમાં રોહિત શર્માએ 138 રન બનાવીને પોતાના ફૉર્મ અને ક્ષમતાનો પુરાવો ટીકાકારોને આપી દીધો હતો.

રોહિત સાથે બંને રમી ચૂક્યા છે

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલ અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાની રોહિત શર્મા સાથે સારી દોસ્તી છે. અમદાવાદમાં રહેતો 41 વર્ષનો પાર્થિવ (PARTHIV) ભારત વતી 2002થી 2018 સુધી રમ્યો હતો. 40 વર્ષીય પ્રજ્ઞાન (PRAGYAN) ઓડિશાનો છે અને ભારત વતી 2008થી 2013 સુધી રમ્યો હતો. પાર્થિવ અને પ્રજ્ઞાન, બન્ને ક્રિકેટર ભૂતકાળમાં રોહિત શર્મા સાથે ભારત વતી રમી ચૂક્યા છે. પાર્થિવ હાલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સાથે સંકળાયેલો છે, જ્યારે પ્રજ્ઞાન ભારતની સિલેક્શન કમિટીમાં ઈસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂતકાળમાં પાર્થિવ-પ્રજ્ઞાન મુંબઈ ઇન્ડિયન્સમાં કોચ તરીકે એ સમયના કૅપ્ટન રોહિત સાથે કામ કરી ચૂક્યા છે.

આગરકરની બુધવારની મીટિંગ છેલ્લી?

બુધવારે અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીની મીટિંગ યોજાઈ હતી જેમાં ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી વન-ડે અને ટી-20 ટીમ નક્કી કરાઈ હતી. વન-ડે ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્માનો પણ સમાવેશ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં સારું રમીને રોહિત 2027ના વર્લ્ડ કપ માટે ચાહકોને વધુ આશા અપાવી શકશે. આગરકરના ચૅરમૅનપદમાં આગામી ઇરાની કપ માટેની તેમ જ વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝો માટે જે ટીમ સિલેક્ટ કરવામાં આવી એ આગરકરના અંતિમ અસાઇનમેન્ટ બની શકે.