Sun Apr 19 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPની તૈયારી તેજ! 10 માર્ચથી ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૂ થશે

2026-03-07 19:23:15
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓએ પણ સંગઠનમાં સુધારા વધારા કરી રહી છે તો બીજી તરફ અનેક મહાનગર પાલિકાઓ હાલ વહીવટદાર શાસનને હસ્તક આવી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જિલ્લા વહીવટી તંત્ર પણ ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ત્રીજી પાર્ટીના સ્થાનને વધુ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. 

ગુજરાત આમ આદમી પાર્ટીના રાજ્ય મહામંત્રી મનોજ સોરઠિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ટૂંક જ સમયઆ તેની જાહેરાત થવાના સંકેત છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ખૂબ સંઘર્ષ કરતી કરતી મહત્વના વિકલ્પ તરીકે ઊભરી આવી છે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે અને ઉમેદવારો ઉતારશે. 

તેમણે આગળ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી 10 માર્ચથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે. આગામી  10-15 માર્ચ સુધી જિલ્લા અને લોકસભામાં સ્ક્રૂનીટી કમિટી દ્વારા ઉમેદવારોની પસંદગી  હાથ ધરાશે. આ કમિટી ઉમેદવારોને મળશે, કાર્યકરોને મળશે અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

ત્યારબાદ 16-18 માર્ચ સુધી પ્રદેશ કમિટી આ તમામ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે અને પછી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે આ નામો મોકલવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે આ પ્રક્રિયાના અંતે અમને પૂરો વિશ્વાસ છે કે 20 માર્ચ પછી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને પાર્ટી ખૂબ મજબૂતીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.