Mon Oct 05 2026

Logo

દોષનો ટોપલો કોને માથે ઢોળવો?

2026-09-22 07:46:00
Author: Amit Trivedi
દોષનો ટોપલો કોને માથે ઢોળવો?

 


અમિત ત્રિવેદી


આજકાલ રોકાણકારો સાથે છેતરપિંડી થવાના અનેક કિસ્સા સામે આવે છે. લફંગાઓ, ઠગ અને સાયબર અપરાધીઓ લોકોને પોતાના શિકાર બનાવે છે. ઘણીવાર ભોગ બનનાર વ્યક્તિ ભોળી અથવા નાણાકીય બાબતોથી અજાણ હોય છે. સંશોધનો પણ આ વાતને ટેકો આપે છે કે આવી છેતરપિંડીનો ભોગ મોટાભાગે નાણાકીય સાક્ષરતા ન ધરાવતા લોકો જ બને છે અને જો યોગ્ય નાણાકીય શિક્ષણ મળે તો આવા બનાવો ઘટાડી શકાય છે. તેમ છતાં, કેટલીકવાર એવા કિસ્સા પણ જોવા મળે છે જ્યાં નાણાકીય વિષયોમાં નિષ્ણાત ગણાતા લોકો પણ છેતરપિંડીનો  આબાદ  શિકાર બની જાય છે.


આવી જ એક ઘટનાએ મારું ધ્યાન ખેંચ્યું, કારણ કે તેમાં એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સામેલ હતા. આ મહાનુભાવ અવારનવાર વિવિધ મંચ પરથી નાણાકીય વિષયો પર વ્યાખ્યાન આપતા રહે છે. આ બનાવમાં ભોગ બનનાર આ સજ્જને એક તબક્કે એ વ્યક્તિ પર દોષારોપણ કર્યું જેણે તેમને રોકાણની સ્કીમ વેચી હતી. તેમણે સ્વીકાર્યું કે તે લાલચમાં આવી ગયા હતા અને સલાહકારે જે કહ્યું તે બધું સાચું માની લીધું. 


જે વ્યક્તિ નાણાકીય બાબતો, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને આંકડાઓની માયાજાળને સારી રીતે સમજે છે, તેને કોઈ ઠગ કેવી રીતે બનાવી શકે? શું આ વાત અવિશ્વસનીય નથી લાગતી? જોકે આ સવાલનો જવાબ એ સજ્જનના પોતાના જ નિવેદનમાં છુપાયેલો છે ‘તે લાલચમાં આવી ગયા હતા.’ હવે આ વાત ખરેખર મૂંઝવણભરી છે. વ્યક્તિ પોતે લાલચુ હોવાનો સ્વીકાર પણ કરે છે અને સાથે સાથે કોઈ તેમને છેતરી ગયું તેની ફરિયાદ પણ કરે છે.


પોતાની ભૂલનો દોષ બીજાના માથે મઢી દેવાનો આ નિર્ણય એક ઊંડા માનસિક મનોવિજ્ઞાનમાંથી આવે છે. પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિના જીવનમાં નિષ્ફળતા એ એક સામાન્ય બાબત છે. તેને ટાળવી અશક્ય છે અને ઘણીવાર જીતવા માટે પૂરતા પ્રયાસો કર્યા હોવા છતાં, વિજય હાથમાંથી સરી જાય છે અને નિષ્ફળતા સામે આવીને ઊભી રહે છે. મોટાભાગના લોકો માટે આ પરિસ્થિતિને સ્વીકારવી સહેલી નથી હોતી. આવી પરિસ્થિતિઓમાં જ્યારે ધાર્યું પરિણામ નથી મળતું, ત્યારે સમાજ તમને કાં તો એક મૂર્ખ ગણે છે જેણે મૂર્ખામીભર્યા નિર્ણયો લીધા, અથવા તો સંજોગોનો ભોગ બનેલી એક લાચાર વ્યક્તિ ગણે છે.


દુનિયાની નજરમાં મૂર્ખ સાબિત થવા કરતાં સંજોગોનો ભોગ બનેલી શિકાર વ્યક્તિ તરીકે ઓળખાવું વધુ સારું માનવામાં આવે છે. મૂર્ખ બનવાથી લોકો તમારી મશ્કરી કરશે, જ્યારે શિકાર બનવાથી તમને લોકોની સહાનુભૂતિ મળશે અને સહાનુભૂતિ મેળવવી લોકોને વધુ અનુકૂળ લાગે છે. તેનાથી મનને શાંતિ મળે છે.


શરૂઆતમાં આપે દાખલો, જેમાં એક ઉચ્ચ શિક્ષિત અને અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેલ હતા, તે આ વાતને સ્પષ્ટપણે સાબિત કરે છે. હવે જ્યારે નુકસાન થઈ જ ચૂક્યું છે, ત્યારે તેના માટે આખરે જવાબદાર કોણ?


નિશ્ર્ચિતપણે, છેતરપિંડીના ગુનાને ચલાવી ન લેવાય અને ગુનેગારને સજા મળવી જ જોઈએ, છતાં પણ, મોટાભાગના કિસ્સાઓમાં તેનો ઉપાય નાણાકીય પ્રોડક્ટ્સ ખરીદનારના પોતાના હાથમાં જ હોય છે પછી તે રોકાણ હોય, વીમો હોય કે લોન હોય. જો વ્યક્તિ લાલચ અને ડર જેવી લાગણીઓ પર કાબૂ રાખીને સમજી-વિચારીને નિર્ણયો લે તો પરિણામ મોટાભાગે સંતોષકારક જ આવે છે.

જેમ ઉપનિષદનો એક જૂનો સંસ્કૃત શ્ર્લોક કહે છે: 

‘मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः‘

 એટલે કે, ‘મનુષ્યના બંધન અને મુક્તિ બંનેનું મુખ્ય કારણ તેનું પોતાનું મન જ છે.’